________________
૨૩૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
દાદાશ્રી : આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, કશુંય નહીં. આમ કશું થાય નહીં. એટલે છે ખરું પણ આમ હાથ હલાવીએ તો કશું અડે નહીં. એને કશું સ્પર્શ કરે નહીં. એ એનો ગુણ. હવાનો તો ગુણ સ્પર્શ કરે અને આકાશનો ગુણ સ્પર્શ કરે નહીં. છતાં સમજાય કે આકાશ છે. ત્યારે શી રીતે સમજાય ? ત્યારે કહે, હાથ આમ હતો તે આમ (સ્થાન ફેર) થયો, એ આકાશ છે એટલે થયો. આકાશ ના હોય તો થાય શી રીતે? ના સમજાયું ?
પ્રશ્નકર્તા : સમજાયું.
દાદાશ્રી : આકાશ છે તો આમ થયું. પછી લોક એમની પોતાની ભાષામાં સમજવા જાય તો શી રીતે જડે આકાશ? પોતાને સમજણ ના પડે તો આકાશ ખોળવા જાય તો જડે ? હાથ આમ આમ કરે પણ એને એમ ખબર ના પડે કે હાથ આમ આમ કેમ કરીને થાય છે ! આકાશ છે તો થાય છે, નહિતર શી રીતે થાય ? માટે આકાશ છે એની ખાતરી થઈ જાય.
પ્રશ્નકર્તા: દાદા, આકાશરૂપી આત્મા છે એમ કહ્યું. તો આકાશરૂપી એ સંજ્ઞા દ્વારા ખરેખર શું કહેવામાં આવે છે ?
દાદાશ્રી : એ તો આકાશ જેવો છે એમ કહેવા માગીએને વખતે, તો બધાના મનમાં એમ ના થાય કે હારુ કંઈક જાડો થર-બર હશે કે શું? તો એને કલ્પના પછી છૂટી જાય બધી. આવો છે આકાશ જેવો.
આકાશનું સ્વરૂપ કેવું? પ્રશ્નકર્તા: તો પછી આકાશનું સ્વરૂપ શું ?
દાદાશ્રી: આકાશ એટલે બીજું કશું છે જ નહીં. આકાશ એટલે કોઈ વસ્તુ નથી. આકાશ એટલે જગ્યા !
આપણા લોકો શું સમજે છે કે આ નીલું દેખાય છે તે આકાશ છે. મૂઆ, હોય નીલું એ આકાશ. આ નીલું છે એ સાધારણ પડઘા પડે છે. આ દરિયાના પડઘા આમ પડે છે. આમ જમીનના પડઘા ઉપર પડે છે.