________________
૧૭૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
ને ? એનું કારણ શું કે તમે અહીં બેઠા બેઠા જ્યોતિમાં જ તન્મયાકાર છો અને જ્યોતિ છે સામે કિનારા પર, તદન સામી બાજુ જ્યોતિ છે. તેની અંદર તમારે તન્મયાકાર છે વૃત્તિઓ. હવે વચ્ચે બસો જતી હોય તો, બસ જ્યારે જાય તે વખતે ના દેખાયને? એટલે આ બસો તમારી ગોઠવેલી બસો જાય છે તે બસો પૂરી થઈ જશે ત્યારે એનો વ્યાપ નિરંતર રહેશે. આ ગોઠવેલી બસો છે એ તમારી ફાઈલો. બાકી તમે નિરંતર એ જ્યોતિમાં જ તન્મયાકાર રહો છો.
પ્રશ્નકર્તા: વ્યવસ્થિત જે પહેલેથી ગોઠવાયેલું છે, એ તો આવ્યા જ કરશે ?
દાદાશ્રી: હા, એ આવ્યા કરશે. એ છોડે નહીં. એનો હિસાબ ચૂકતે થયા પછી બધું આપણું જ છે, આ આખું જીવન. એ નિરંતર જ્યોતિમાં જ રહો છો. જ્યોતિની બહાર જાય નહીં એવું આ વિજ્ઞાન છે.
જ્યોતિસ્વરૂપ તો પ્રાપ્ત થયું, પણ ચેતજો બુદ્ધિથી
આ તો તમે જ્યોતિસ્વરૂપમાં રહો છો ને પછી જ્યોતિસ્વરૂપને ખોળો છો. નાનું છોકરું એર કંડિશન સમજતું ના હોય તો છોકરો એ એર કંડિશનમાં રહે છે તો ખરોને ! ભલે સમજતો નથી હોતો. એવી રીતે પોતાને ખ્યાલ ના આવે કે આ જ્યોતિસ્વરૂપનો અનુભવ છે કે શેનો અનુભવ છે.
આ તો એક્કેક્ટ વસ્તુ છે, પરમ જ્યોતિ સ્વરૂપ પ્રાપ્ત કરી ગયા છો. હવે ઉપર આઘુંપાછું ના કરશો નકામાં. અનંત અવતારમાં ના પામ્યા એવું પરમ જ્યોતિસ્વરૂપ, તેથી તો અહીં અવાય છે. નહીં તો અવાય કોઈથી? હવે મહીં બુદ્ધિ ડખો કરે છે, તે બુદ્ધિને મારજો જરા. એ વિપરીત બુદ્ધિ છે. એ તો અહિત કરે જાણીજોઈને. એ જ બુદ્ધિએ નચાવ્યાને અત્યાર સુધી?
પ્રશ્નકર્તા : હાસ્તો.
દાદાશ્રી : અત્યારે હવે પાછી દબાઈ રહેલી છે, તે જ્ઞાનીથી જરાક આઘાપાછા થાવ કે ચઢી બેસે પાછી. ચેતતા રહેજો. અહીં બુદ્ધિને રજા આપી દેજો. આમાં હાથ ના ઘાલીશ, કહીએ.