________________
૧૭૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
અને પોતાનો સંસાર, બાળબચ્ચા. સંસારભાવ, મેન્ટેનન્સ ભાવ અને બીજું થોડું ઘણું ભણતર ભાવ કરવાના, પણ બધું મેન્ટેનન્સમાં જ આવ્યું એના. એટલામાં જ એનું પ્રમેય હોય અને એટલામાં આત્મા પ્રમાતા તરીકે રહે. પ્રમેય પ્રમાણે પ્રમાતા થાય. એમ કરતા કરતા, વધતા વધતા, શેઠને છે તે દસ બંગલા હોય, મોટો હોય તોય પણ છે તે શેઠનું પૈસામાં ને પૈસામાં, મિલોમાં ને મિલોમાં, એ બધામાં જીવ ભટકતો હોય. તે એટલામાં એ પ્રમેય મોટું થયું કહેવાય, તો પ્રમાતા એટલામાં રહે.
પ્રમેયત્વતો અર્થ શું? પ્રશ્નકર્તા: તો દાદા, પ્રમેયત્વ એટલે શું ?
દાદાશ્રી : પ્રમેયત્વ એટલે જેવું એક ડોલમાં લાઈટ મૂકી હતી તો ડોલના પૂરતું લાઈટ ફેલાય અને ડોલ કાઢી લઈએ એટલે રૂમના પૂરતું ફેલાય. એ પ્રમેયત્વ કહેવાય. પ્રમેય પ્રમાણે એનો પ્રકાશ સેટ થઈ જાય.
આ સૌ-સૌના ભાજન પ્રમાણે છે. જેટલું ભાજન હોય એ પ્રમાણે પ્રકાશ આપે. એમાં જેટલું બળ હોય, ભાજન ને પાછું બળ બે ભેગું થાય. વોલ્ટેજ હોય છે ને ! સોનો ગોળો હોય તો ? અને પચ્ચીસનો હોય તો મોળું લાઈટ આપે.
આખા બ્રહ્માંડને પ્રકાશે ત્યારે ખરો પ્રમાતા આત્મા પ્રમેયસ્વરૂપે પ્રકાશે તેમ છે. જેટલું ભાજન હોય તેટલો થઈ શકે. છેવટે પ્રમાતા કોને ખરેખર કહેવાય છે ? આખા બ્રહ્માંડમાં આત્મા પ્રકાશમાન થાય ત્યારે એ ખરો પ્રમાતા કહેવાય. પ્રમેય આખું બ્રહ્માંડ છે. પોતાનો પ્રકાશ, સ્વયં પ્રકાશ આખા બ્રહ્માંડને પ્રકાશે.
પ્રમેય કેટલો ભાગ છે? લોક વિભાગ છે. અલોક નથી, પ્રમેય. બે ભાગ છે લોકાલોકના, લોક અને અલોક. તે અલોકમાં પ્રમાતા-પ્રમેય નથી. આ લોક એકલું જ પ્રમેય ભાગ છે, એટલો પ્રમાતા થાય છે. જેટલા પ્રમાણમાં પ્રમેય હોય એટલો આત્મા પ્રમાતા થાય છે.