________________
[૯.૧] અમૂર્ત
૧૮૭
અમૂર્તતા અવલંબતે પમાય અમૂર્ત
પ્રશ્નકર્તા : ઈષ્ટમૂર્તિના માધ્યમ દ્વારા આત્મદર્શન કેટલા અંશે શક્ય છે ? તેની પ્રક્રિયા સમજાવો.
દાદાશ્રી : ઈષ્ટમૂર્તિ એટલે પથ્થરની મૂર્તિ કે સજીવન મૂર્તિ ? પ્રશ્નકર્તા : ના, પથ્થરની.
દાદાશ્રી : ના, એનાથી આત્મદર્શન શક્ય નથી. એ સંસાર ફળ આપે તમને. એનાથી ભૌતિક ફળો અને પુણ્ય ફળ બંધાય. પણ એ ના કરો તો ઊંધે રસ્તે જતા રહે. એટલે આમ આપણે શું કહીએ છીએ ? કે મૂર્તિના દર્શન કરતા કરતા અમૂર્ત કો'ક દહાડો પામશો. કારણ કે મૂર્તિના દર્શન કરવાથી આવરણ તૂટતું જાય છે અને અમૂર્તના ઉપરથી આવરણ ખસતું જાય છે. તે કોઈક દહાડો એને બીજા સંજોગો મળી આવે, જ્ઞાની પુરુષ ને એ બધા તો અમૂર્ત થાય, નહીં તો અમૂર્ત થાય નહીં.
સજીવન મૂર્તિ મળ્યા સિવાય અમૂર્ત થાય નહીં. મૂર્તિનું અવલંબન મૂર્ત બનાવશે અને અમૂર્તનું અવલંબન અમૂર્ત બનાવશે.
રિલેટિવ, રિલેટિવના દર્શન કરે એટલે રિલેટિવ જ રહે. અમૂર્ત રિયલના દર્શન કરે તો જ રિયલમાં જાય.
પ્રશ્નકર્તા : એ તો આપે કહ્યું છે ને, જ્યાં સુધી અમૂર્તના દર્શન ના થાય ત્યાં સુધી મૂર્તની આસક્તિ રહે !
દાદાશ્રી : હા, અમૂર્તના દર્શન ના થાય ત્યાં સુધી મૂર્તિની આસક્તિ રાખવાની પણ અમૂર્તના દર્શન થયા પછી મૂર્તિની જરૂર નહીં.
જ્યાં સુધી અમૂર્તના દર્શન ના થાય ત્યાં સુધી મૂર્તિપૂજા એ ધ્યેય છે. અમૂર્તના દર્શન થયા પછી એ ધ્યેયસ્વરૂપ રહેતું નથી, પછી અમૂર્ત ધ્યેય.
જે અમૂર્તને સમજ્યો એ અધ્યાત્મી. અમૂર્તની પ્રતીતિ બેઠી ત્યારથી અધ્યાત્મી થયો.