________________
૬૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
સાંસારિક દુઃખનો અભાવ વર્તે, કપટ જતું રહે એટલે મહીં સ્પષ્ટ અનુભવ થવા માંડે. કપટને લઈને અનુભવ અસ્પષ્ટ રહે છે. જે જેટલા પ્રમાણમાં અમારી પાસે ખુલ્લું કરે, તે તેટલો અમારી સાથે અભેદ થયો ને જેટલો અભેદ થયો એટલો સ્પષ્ટ અનુભવ થાય.
આપણને આત્મા પ્રાપ્ત થયો છે, એટલે આપણે સત્સંગમાં પડી રહેવું જોઈએ. સત્સંગ એટલે આત્માનો સંગ ! અહીંથી જો પાછો કુસંગમાં પેઠો કે આ રંગ ઊતરી જાય. કુસંગનું એટલું બધું જોર છે કે કુસંગમાં સહેજવાર જવું નહીં અને ઘર માટે તો કૃપાળુદેવે કેવો કુસંગ લખ્યો છે કે એને “કાજળ કોટડી” કહી ! હવે ઘરમાં રહેવું અને અસંગ રહેવું, એ તો જાગૃતિ રાખવી પડે. અમારા શબ્દોની જાગૃતિ રાખવી પડે. અમારી આજ્ઞા પાળવી જોઈએ તો ઘરમાં રહી શકાય ! અથવા તો અસર ક્યારે ના થાય ? સ્પષ્ટ વેદના થાય ત્યારે અસર ના થાય. અને સ્પષ્ટ વેદન ક્યારે થાય કે સંસારી સંગ” “પ્રસંગ” ના થાય ત્યારે ! “સંસારી સંગ'નો વાંધો નથી, પણ પ્રસંગ'નો વાંધો છે. ત્યાં સુધી “સ્પષ્ટ વેદન' ના થાય. સંગ તો આ શરીરનો છે, બળ્યો ! પણ પાછો પ્રસંગ તો એકલા આમ નિરાંતે બેસી રહેવું હોય તોય ના રહેવાય. અમને તો આ સંગ જ ભારે પડી ગયો છે. તે પાછા પ્રસંગ કરવા ક્યાં જઈએ ? આ સંગ જ મહીંથી બૂમ પાડે, અઢી વાગી ગયા, હજી ચા નથી આવી ! છે પોતે અસંગ અને પડ્યો છે સંગપ્રસંગમાં !
સ્પષ્ટ વેદન ક્યારે થાય કે આ મન-વાણી-દેહમાંય પોતાનું માલિકીપણું ના હોય. અમારી નિર્વિચાર દશા છે, અમારી નિર્વિકલ્પ દશા છે, અમારી નિરિચ્છક દશા છે, ત્યારે આ દશા ઉત્પન્ન થઈ છે. એ દશાને અમે ધન્ય ધન્ય ગણીએ છીએ, એને નમસ્કાર કરીએ છીએ. એટલે આ દશાએ પહોંચવાનું છે. પછી એકાદ સ્ટેશન રહ્યું છે તો છોને રહ્યું. આટલા બધા સ્ટેશનો ઓળંગ્યા, હવે એકનો શું હિસાબ ? અને તેય ભગવાનની હદમાં જ હોય. સિગ્નલેય આવી ગયું, બધું આવી ગયું, ક્યારનુંય આવી ગયું. તમારેય સિગ્નલ ઓળંગી લીધું. પ્લેટફોર્મ તો નથી આવ્યું પણ સિગ્નલ તો ઓળંગ્યું છે.