________________
૧૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
પ્રશ્નકર્તા: ગજસુકુમારને નેમીનાથ ભગવાને જે જ્ઞાન આપ્યું'તું, એ બહુ જુદા જ પ્રકારનું જ્ઞાન હતું ?
દાદાશ્રી : એ પ્રકારનું જ્ઞાન અમને છે પણ એટલી સ્થિરતા નથી શરીરની. કારણ કે એમને તો ભગવાન જોડે જ વાત થયેલી. નેમીનાથ ભગવાનની કૃપા સીધી ઊતરેલી. બાકી જ્ઞાન અમારી પાસે છે એ જ જ્ઞાન છે, છેલ્લામાં છેલ્લું જ્ઞાન.
પ્રશ્નકર્તા : તો પછી કયું જ્ઞાન એ ? દાદાશ્રી : પોતાના મૂળ સ્વરૂપનું જ્ઞાન. પ્રશ્નકર્તા : નિરાલંબ આત્મા એમને સંપૂર્ણ પ્રાપ્ત થઈ ગયેલો ?
દાદાશ્રી : નિરાલંબ આત્મા તો છેલ્લો જ પ્રાપ્ત થયેલો, નહીં તો સગડી બાળે તો એ ધ્યાન ના રહે એને. બીજી જગ્યાએ જ જતું રહે. આ તો છેલ્લો આત્મા એટલે આ ન હોય, તે ન હોય, ફલાણું ન હોય, આ નહીં, તે નહીં, આ નહીં, એ નહીં, ભગવાન. કેવો નિરાલંબ !
ગજસુકુમારે આત્મા પ્રાપ્ત કર્યો, એ આત્મા અમારી પાસે છે અને તીર્થકરો પાસે એ આત્મા હતો. એ આત્મા આ કાળમાં કોઈને પ્રાપ્ત ન થાય એવો છે એ વાત સાચી છે. શુદ્ધાત્માથી આગળ વધ્યો એટલે બહુ થઈ ગયું. શબ્દથી આગળ વધ્યો કે આ તો શબ્દનું અવલંબન છે એટલું સમજતો થયો, એ ત્યાંથી નિરાલંબ તરફ જાય. પછી એ નિરંતર નિરાલંબ તરફ જાય. શુદ્ધાત્મા એય શબ્દ છે ને, અવલંબન શબ્દનું ને મૂળ શુદ્ધાત્મા એવો નથી.
આજ્ઞા પાળતા સામેથી આવશે કેવળજ્ઞાનનું પદ
પ્રશ્નકર્તા : તો હવે એ કેવળજ્ઞાન અમને મહાત્માઓને પ્રાપ્ત થાય તેના માટે શું પુરુષાર્થ કરવાનો ?
દાદાશ્રી : કેવળજ્ઞાન એટલે એબ્સૉલ્યુટ, કેવળ પોતાની સત્તાને જાણો એ. તમને કેવળજ્ઞાન આવે શી રીતે ? તમારે હજી મારી આજ્ઞા પાળવાની છે. જેટલી પાંચ આજ્ઞા પાળો તેટલા કેવળજ્ઞાન સ્વરૂપ થાઓ.