________________
પુદ્ગલ ઈન્દ્રિયગમ્ય છે, બીજા અવિનાશી દ્રવ્યો ઈન્દ્રિયગમ્ય નથી. ઈન્દ્રિય પ્રત્યક્ષમાં બુદ્ધિ છે, અતીન્દ્રિય પ્રત્યક્ષમાં જ્ઞાન છે. ઈન્ડિરેક્ટ પ્રકાશ એ ઈન્દ્રિયજ્ઞાન અને ડિરેક્ટ પ્રકાશ એ અતીન્દ્રિયજ્ઞાન.
અતીન્દ્રિયજ્ઞાન જાણે તેને જ્ઞાતાપદ કહેવાય. દેહાધ્યાસ છૂટે ત્યારે પોતે જ્ઞાતા થાય. પોતે શુદ્ધાત્મા થઈને આ ચંદુભાઈ શું કરે છે એ જોયા કરે, જાણ્યા કરે એ અતીન્દ્રિયજ્ઞાન કહેવાય.
દોષના આધારે આત્માના જ્ઞાનના પર્યાય થાય. પર્યાયને આત્મા ના કહેવાય. દ્રવ્ય-ગુણ ને પર્યાય ત્રણ ભેગું થાય ત્યારે વસ્તુ તત્ત્વ, કહેવાય.
આત્માનું જ્ઞાન કબાટને ના જાણે. ઈન્દ્રિયજ્ઞાન જાણે કે આ કબાટ છે અને ઈન્દ્રિયજ્ઞાને શું જાણ્યું એ પોતે જાણે.
અજ્ઞાનીને અને જ્ઞાનીને ઈન્દ્રિયજ્ઞાનમાં ફે૨ નથી, માત્ર અતીન્દ્રિયજ્ઞાનમાં ફેર છે.
શેયોને જોવા આત્માને ફરવું નથી પડતું, ખરેખર એના પોતાના જ દ્રવ્યમાં બધા જ્ઞેયો ઝળકે છે. જેમ અરીસામાં, જેટલા લોકો સામે આવે તે બધા મહીં ઝળકે.
[૧૧] સૂક્ષ્મતમ
આત્મા સૂક્ષ્મતમ છે, જ્યારે શબ્દો સ્થૂળ છે. જે આંખે દેખાય, વાણીમાં બોલાય, કાને સંભળાય. આત્મા નિઃશબ્દ છે, અવર્ણનીય છે, અવક્તવ્ય છે. એ સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, સૂક્ષ્મતર નથી, સૂક્ષ્મતમ છે. એને સ્થૂળમાં કેમ કરીને પમાય ?
આગમો સ્થૂળ શબ્દરૂપ છે. આગમોમાં ત્રીસ ટકા વાત છે. બાકીની સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ વાત, જે સિત્તેર ટકા, તે જ્ઞાની પુરુષના હૃદયમાં છે. તે શી રીતે આ શાસ્ત્રોથી આત્મા આખો પ્રાપ્ત થાય ? એટલે કહ્યું, જ્ઞાની પુરુષ પાસે જા. એ સંજ્ઞાથી, કૃપાથી આત્મા પમાડશે.
આત્મા અજોડ વસ્તુ છે. મોટા ડુંગરોની, ભીંતોની આરપાર પસાર થઈ શકે એવું આત્માનું સૂક્ષ્મતમ સ્વરૂપ છે.
68