________________
જેટલું પુદ્ગલ વળગે એટલું એને નીચે ખેંચે. છેવટે આત્મા જીતીને મોક્ષ પ્રાપ્ત કરી લે છે. રસ્તે જતા વળગણ વળગ્યું છે. સંયોગોમાં અનંત આત્માઓ સપડાયા છે અને પોતાના સ્વભાવમાં આવવાનો પ્રયત્ન કરે છે.
પૌદ્ગલિક ભાવ, ઈચ્છાઓ એ એને નીચે લઈ જાય. પુદ્ગલ ઓછું થાય તો ઉપર આવે.
તુંબડાને કાળી-ચીકણી માટી ચોપડીને સૂકવીને પછી પાણીમાં મૂકો તો ઠેઠ તળીયે બેસી જાય. પછી પાણીથી માટી પલળે તે ઓગળે, તો તુંબડું ઊંચું આવતું જાય. કારણ કે તુંબડાનો સ્વભાવ ઊંચું આવવું છે, માટી એને નીચે ખેંચે છે. એવું માટી એ કર્મ કહો કે પુદ્ગલ કહો, તે આત્માને ખેંચે છે.
આત્માના વિભાવથી બુદ્ધિ ઉત્પન્ન થઈ ને બુદ્ધિથી બીજા જોડે ‘હું’ અને ‘તું’ એમ ભેદ થવાથી રાગ-દ્વેષ કરીને ખરાબ કર્મો બાંધે છે. તે અનાત્મ વિભાગનું જોર વધે તો નીચે ખેંચે અને એ જોર ઘટે તો ઊંચે ચઢી જાય.
પુદ્ગલનો પોતે કર્તા થાય છે, પુદ્ગલમાં એને ટેસ્ટ આવે છે, તેથી નીચે ખેંચાય છે. પોતાનું સ્વરૂપ ના જાણે ત્યાં સુધી વિભાવિક શક્તિ હોય.
આત્મા સ્વભાવથી જ મોક્ષે જાય એવો છે, પણ પોતે કરનાર ના થાય તો. આ સંસારના પરિણામો ઓગળ્યા કરે અને પોતે ઊંચે ચઢે એવું છે, પણ પોતે ડખલ કરવાથી નવું આવરણ ચઢે છે.
શાસ્ત્ર કશું ના જાણતો હોય તો બધા જીવો ધીમે ધીમે ઊર્ધ્વગમન થયા જ કરે છે. પણ આ જાણવાથી વિકલ્પો કરીને અબજો અવતાર ભટકે છે. જન્મ થયો એટલે એકબીજાને વાત કરી કરીને ચૂંથણા ચૂંથીને ગૂંચવાડા વધારે છે. બુદ્ધિશાળીના ટચમાં આવ્યો એટલે બગડે છે ને અધોગતિમાં જાય છે.
પુદ્ગલનો સ્વભાવ અધોગામી એટલે શરીરના આધારે નહીં, પણ અહંકાર કેટલો ભારે છે એના આધારે ભટકે છે.
83