Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વંદિતુ સૂત્ર ૧૬૩
આપવી ન જોઈએ. આ જગતમાં ઘણા માણસો ભોળા હોય છે, કેટલાક ચતુર છતાં વિશ્વાસુ હોય છે, અને કેટલાક બુદ્ધિમાન છતાં બીજાની વધારે બુદ્ધિથી અંજાઈ જાય છે. આવા માણસો બીજાનાં વચન પર વિશ્વાસ રાખે છે અને તેના આધારે કાર્ય પણ કરે છે. તેથી એવા માણસોને જો ખોટી સલાહ આપવામાં આવી હોય, કોઈ ભળતી વાત જ પકડાવી દેવામાં આવી હોય, તો પરિણામે તેને નુકસાન થાય છે. કેટલીક વાર તો તેની આખી જિંદગી બરબાદ થાય છે. તેથી જૂઠને ધિક્કારનાર એવા વ્રતધારી શ્રાવકે કોઈને પણ જૂઠી કે ભળતી સલાહ આપવી ઘટતી નથી. તેમ જ મંત્ર-ઔષધિ વગેરે જે વસ્તુઓનું પોતાને શાસ્ત્રીય કે પદ્ધતિસરનું જ્ઞાન નથી, તે વિષયમાં અન્યને સલાહ આપવી તથા જેનાથી જનતા ઠગાવાનો સંભવ છે, તે જાતનાં ધૂર્તવિદ્યાનાં શાસ્ત્રો શીખવવાં, એ પણ મૃષોપદેશ જ છે. આવું કોઈ કામ કરવું શ્રાવકને માટે યોગ્ય નથી. તેમ છતાં કોઈ વાર શરતચૂકથી તેમ થઈ ગયું હોય, તો તેને અતિચાર માનીને તેનું પ્રતિક્રમણ કરવું ઘટે છે.
(૫) “કૂટલેખ'-ખોટાં લખાણો કરવાં નહિ. જૂઠું બોલવું બંધ હોય ત્યાં જૂઠું લખવાનું પણ બંધ જ હોય, તેમ છતાં કોઈ મૂઢ જનો એમ સમજતા હોય કે આપણે તો જૂઠું બોલવાનું પચ્ચક્ખાણ લીધું છે, કાંઈ જૂઠું લખવાનું પચ્ચખાણ કર્યું નથી, તો તેમને માટે અતિચારની આ કલમ સ્પષ્ટ માર્ગદર્શનરૂપ છે. જૂઠું બોલવું અને જૂઠું લખવું એમાં કોઈ તાત્ત્વિક ભેદ નથી, તેથી વ્રતધારીએ તેમાંથી મુક્ત રહેવું ઘટે છે. ગ્રાહકને, સમાજને કે સરકારને છેતરવા માટે, પૈસા બચાવવા માટે કે કોઈ પણ રીતે લાભ ઉઠાવવા માટે જે કાંઈ જૂઠું કરવામાં આવતું હોય, તે વ્રતધારીએ છોડવું જ ઘટે છે. તેમ છતાં કોઈ વાર પ્રસંગવશાત ભૂલ-ચૂકથી તેમ બની ગયું હોય, તો તેને અતિચાર સમજીને તેનું પ્રતિક્રમણ કરવાનું છે.
(૧૨-૫) (૧) ઉતાવળથી (વગર વિચાર્યો) કોઈને દોષિત કહેતાં, (૨) કોઈ છૂપી વાત કરતાં હોય, તેને જાણીને ભળતું અનુમાન કરતાં, (૩) સ્ત્રી(પુરુષ)ની ગુપ્ત વાત પ્રકટ કરી દેતાં, (૪) ખોટો ઉપદેશ કે ખોટી સલાહ આપતાં તથા (૫) ખોટું લખાણ કરતાં, (બીજા વ્રતના (પાંચ) અતિચાર વિશે) દિવસ-દરમિયાન જે કંઈ કર્મ બંધાયાં હોય, તે સર્વેથી હું પાછો ફરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org