Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
‘આયરિય ઉવજ્ઝાએ’ સૂત્ર ૦ ૩૨૧
તેમને સદાચારમાં-સક્રિયામાં પ્રવર્તાવે છે (પડિચોયણા). એથી સંભવ છે કે આવા કોઈ પ્રસંગે આચાર્યે કાંઈ કહ્યું હોય કે કર્યું હોય અને પોતાને ન રુચ્યું હોય તો તેમના પ્રત્યે મનના ભાવો કલુષિત થયા હોય (અર્થાત્ કષાયનો ઉદય થયો હોય), તેથી ક્ષમા માગવાના પ્રસંગે સહુથી પહેલાં તેમને યાદ કરવામાં આવ્યા છે. જૈન સંઘના બંધારણ મુજબ તેઓ બધા સાધુઓમાં વડા ગણાય છે, એટલે પણ તેમનું સ્મરણ પ્રથમ કરવામાં આવ્યું છે.
આચાર્યે સુપરત કરેલા સાધુઓને શ્રુતનું અધ્યયન કરાવવાનું કામ ઉપાધ્યાયનું છે; એટલે તેઓ સાધુઓને નિયમિત ભણાવે છે. તે પ્રસંગે કોઈ વાર ભણવા માટે ઠપકો આપ્યો હોય કે બે કઠોર શબ્દો કહ્યા હોય તે બનવા જોગ છે. આ વસ્તુ પોતાના હિતની હોવા છતાં સંભવ છે કે પોતાને ન ગમી હોય અને તેથી તેમના પ્રત્યે કોઈ પણ પ્રકારનો કષાય થઈ આવ્યો હોય, તેથી બીજું સ્મરણ તેમનું કરવામાં આવ્યું છે.
શિષ્ય વિનયથી નમ્ર થવાનું છે, બે હાથ જોડી લલાટે લગાડવાના છે અને ગુરુના અભિપ્રાય પ્રમાણે વર્તવાનું છે. તાત્પર્ય કે તેણે ગુરુને વંદન કરીને તથા તેમનો ઉચિત વિનય સાચવીને તેમની પાસે શ્રુત ગ્રહણ કરવાનું છે. તથા તેઓ કાંઈ પણ પૂછે તો વિનયથી હાથ જોડીને તેમની સામે ઊભા રહેવાનું છે; અને ગુરુને સંમત ન હોય તેવું કંઈ પણ કાર્ય કરવાનું નથી. તેથી શિષ્યને વિનય-રહિત, અભિમાનથી અક્કડ કે મનસ્વી વર્તન કરતો નિહાળીને ક્રોધાદિ કષાયોનો ઉદ્ભવ થવા સંભવ છે, તેથી ત્રીજું સ્મરણ તેનું કરવામાં આવ્યું છે.
જ્ઞાનાદિ ગુણોમાં સમાન હોવાના કારણે જે સાધુ સમશીલ કે સાધર્મિક છે તેનું વૈયાવૃત્ત્વ શરીર-શુશ્રુષા વડે, અંતરંગ પ્રેમ વડે, ગુણની પ્રશંસા વડે, અવગુણને ઢાંકવા વડે તથા આશાતનાના ત્યાગ વડે કરવાનું છે. એ પ્રસંગોમાં કોઈ કારણે તેમના પ્રત્યે કષાય થયો હોય, તે સંભવિત છે; તેથી ચોથું સ્મરણ તેમનું કરવામાં આવ્યું છે.
પોતે જે કુલ અને જે ગણનો સાધુ છે, તેના અંગેની વિવિધ ફ૨જો બજાવતાં અને જવાબદારીઓ અદા કરતાં કોઈ કારણે કષાય ઉત્પન્ન થયો હોય તે સંભવિત છે, તેથી પાંચમું અને છઠ્ઠું સ્મરણ તેમનું કરવામાં આવ્યું છે.
પ્ર.-૨-૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International