Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૯૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
(૧) “વ્રત’ શબ્દથી સાધુનાં પાંચ મહાવ્રતો અને શ્રાવકનાં પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો સમજવામાં છે. આ વ્રતોના પાલનમાં પ્રમાદવશાત્ કંઈ પણ સ્કૂલના, ભૂલ કે અતિચાર થયો હોય, તો તેની શુદ્ધિ પ્રતિક્રમણ કરવાથી થાય છે. જેમ નૌકામાં પડેલાં છિદ્રોને પૂરી દેવામાં ન આવે તો છેવટે તે ડૂબી જાય છે, તેમ અતિચારરૂપી છિદ્રોને પૂરવામાં ન આવે તો છેવટે વ્રતરૂપી નૌકા ડૂબી જાય છે.
(૨) “આગ્નવ” એટલે કર્મબંધના હેતુઓ. તે પાંચ ઇન્દ્રિય, ચાર કષાય, પાંચ અવ્રત, ત્રણ યોગ અને પચીસ ક્રિયારૂપ છે. તેનો વિરોધ થયા વિના સંવર થતો નથી અને સર્વસંવર થયા વિના મુક્તિ મળતી નથી; તેથી આત્માના પરમ ઉત્થાન માટે આગ્નવ-નિરોધ આવશ્યક છે, જે પ્રતિક્રમણથી સિદ્ધ થાય છે.
(૩) “ચારિત્ર' એટલે વીતરાગતાને પ્રાપ્ત કરવાનો અહિંસા, સંયમ અને પરૂપ રાજમાર્ગ. તેમાં પ્રમાદ આદિના કારણે જે દોષો રહી જાય છે, તેની સુધારણા પ્રતિક્રમણ' વડે થાય છે.
(૪) “અષ્ટપ્રવચનમાતા' એટલે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. ચારિત્રનું જતન, રક્ષણ અને શોધન કરવામાં તેનો ફાળો મુખ્ય છે; તેથી તે સાધુઓની માતા કહેવાય છે. આ સમિતિ અને ગુપ્તિઓનું શોધન કરવામાં પ્રતિક્રમણ” પરમ સહાયભૂત છે.
(૫) “સુપ્રણિધાન” એટલે ઉત્તમ પ્રકારના અધ્યવસાયોમાં તલ્લીનતા. આ સ્થિતિ યથાખ્યાત ચારિત્ર પ્રત્યે દોરી જનારી છે અને તે “પ્રતિક્રમણ' વડે ઉત્પન્ન થાય છે.
તાત્પર્ય કે “પ્રતિક્રમણ ચારિત્રની ઉત્તરોત્તર શુદ્ધિ કરીને આત્માને સુપ્રણિધાનમાં સ્થાપનારું છે.
પારસમણિનો સ્પર્શ થાય અને લોહનું સ્વરૂપ ન બદલાય, એ જેમ સંભવિત નથી, તેમ “પ્રતિક્રમણ'નો પ્રયોગ થાય અને જીવનનું સ્વરૂપ ન બદલાય એ સંભવિત નથી. પ્રતિક્રમણના પ્રયોગથી અધમાધમ આત્માઓ પણ ઉન્નતિને પામ્યા છે અને વિશ્વના મહાપુરુષોની હરોળમાં વિરાજયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org