Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પ્રતિક્રમણ અથવા પાપ-વિમોચનની પવિત્રક્રિયા ૦૪૯૩
આખુંયે જીવન ચોરી અને લૂંટફાટમાં વિતાવનાર તથા એક જ દિવસમાં બ્રાહ્મણ, ગાય, સ્ત્રી અને બાળક–એ ચારની મહાહત્યાઓ કરનાર દેઢપ્રહારીને છ માસની અંદર જ મુક્તિની વરમાળા કોણે પહેરાવી ? હજી તો જેના હાથ એક નિર્દોષ કુમારિકાના ખૂનથી ખરડાયેલા હતા અને તેને ધોવાની પણ તક મળી ન હતી, તેવા ચિલાતીપુત્ર માત્ર અઢી દિવસમાં જ સ્વર્ગપદ કેમ પામ્યા? સાતમી નરકનાં દળિયાં ઉપાર્જન કરી ચૂકેલા રાજર્ષિ પ્રસન્નચંદ્રને બીજી જ ઘડીએ સ્વર્ગની સર્વ લક્ષ્મીને ઠોકર મારે એવું કૈવલ્યપદ કોણે આપ્યું ? કહેવાની જરૂર ભાગ્યે જ છે કે આ સર્વ પ્રતાપ
પ્રતિક્રમણ'નો હતો–સાચા દિલથી કરાયેલા “શુદ્ધ-પ્રતિક્રમણ'નો હતો. (૫) પ્રતિક્રમણનો અર્થ
“પ્રતિક્રમણનો શબ્દશઃ અર્થ કરીએ તો આ પ્રમાણે થાય ? પ્રતિ=પાછું. “ક્રમણ'=ચાલવું. એટલે પાછું ચાલવું, પાછું ફરવું કે પાછાં પગલાં ભરવાં, તે “પ્રતિક્રમણ'. પરંતુ પાછા ફરવાની કે પાછાં પગલાં ભરવાની ક્રિયા-પ્રત્યેક સંયોગોમાં પ્રશસ્ત હોતી નથી. જ્યારે “પ્રતિક્રમણ”ની ક્રિયાને સદા પ્રશસ્ત માનવામાં આવેલી છે, એટલે એ સ્પષ્ટતા કરવાની જરૂર છે કે-કોણે ? ક્યાંથી ? શા માટે પાછા ફરવાનું છે ?
આનો સંક્ષિપ્ત ઉત્તર એ છે કે “આત્માએ પાછા ફરવાનું છે, પ્રમાદસ્થાન કે પાપસ્થાનમાંથી પાછા ફરવાનું છે. અને નિજ હિત કે નિજકલ્યાણ માટે પાછા ફરવાનું છે.” વધારે સ્પષ્ટ કહીએ તો
*"स्वस्थानाद् यत् परस्थानं, प्रमादस्य वशाद् गतः ।
तत्रैव क्रमणं भूयः, प्रतिक्रमणमुच्यते ॥"
પ્રમાદ(આદિ દોષો)ને લીધે સ્વસ્થાનથી પરસ્થાનમાં ગયેલો આત્મા પાછો તે જ મૂળસ્થાને જવાની ક્રિયા કરે, તે “પ્રતિક્રમણ' કહેવાય છે.
“જ્ઞાન, દર્શન અને ચારિત્ર” એ આત્માનું સ્વસ્થાન છે; અને “પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા,
* આવશ્યક-ટીકા હારિભદ્રીય પ્રતિક્રમણ-અધ્યયન, પૃ. ૫૫૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org