Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પ્રતિક્રમણ અથવા પાપ-વિમોચનની પવિત્ર ક્રિયા ૦ ૫૦૧
ૐ' એ પ્રમાણેનો અક્ષર ‘તે પાપને ઉપશમ વડે બાળી નાખું છું, નષ્ટ કરું છું' એમ બતાવે છે.
આ રીતે ‘મિચ્છા મિ(મે) હુલ્લડ'નો ભાવાર્થ એ થયો કે ‘હું વિનય અને નમ્રતાવાળો થઈને અસંયમાદિ દોષોને અટકાવું છું, ચારિત્રની મર્યાદાને ધારણ કરું છું, દુષ્કૃત કરનારા મારા આત્માને નિંદું છું, તે દુષ્કૃતનો નિખાલસપણે એકરાર કરું છું અને તે દુષ્કૃતને ઉપશમ વડે-કષાયની ઉપશાંતિ ક૨વા વડે બાળી નાખું છું, નષ્ટ કરું છું.’
(૧૦) પ્રતિક્રમણનું પ્રવર્તન
‘પ્રતિક્રમણ’ એ આત્મ-શુદ્ધિનું અપૂર્વ અનુષ્ઠાન છે, એટલે તેને ભાવયજ્ઞ, ભાવ-સ્નાન કે પાપ-મોચનની પવિત્ર ક્રિયા કહેવામાં હરકત નથી. આવો ભાવયજ્ઞ, આવું ભાવસ્નાન કે આવી પવિત્ર ક્રિયા યથાર્થપણે થાય અને તેની પરંપરા બરાબર ચાલુ રહે તે માટે જગદુદ્વા૨ક જિનેશ્વરોએ અર્થથી તેની પ્રરૂપણા કરી છે અને પરમજ્ઞાની ગણધર ભગવંતોએ તેને સૂત્રમાં વ્યવસ્થત રીતે ગૂંથી છે. આવા જિન-પ્રરૂપિત અર્થ અને ગણધર-ગુંફિત સૂત્રમાં કેટલું ગાંભીર્ય હોય, કેટલી ગહનતા હોય, કેટલું ગૂઢ રહસ્ય ભરેલું હોય, તે પૂર્ણ જિજ્ઞાસુ વડે જ સમજી શકાય તેવું છે. તેથી પ્રત્યેક મુમુક્ષુનું એ કર્તવ્ય છે કે એ સૂત્રોને શુદ્ધ શબ્દોચ્ચારણપૂર્વક કંઠસ્થ કરવાં અને તેના અર્થ પુનઃ પુનઃ મનન કરી, તેના અંતર્ગત રહેલા ભાવો સુધી પહોંચવું તથા તે માટેનો ઉચિત વિધિ સાચવીને સિદ્ધિપદ માટેની સાધના સફલ કરવી.
સાવઘ યોગની વિરતિ, ચતુર્વિંશતિ-જિનનું સદ્ભૂત કીર્તન અને ગુરુનો અપૂર્વ વિનય મુમુક્ષુને પ્રતિક્રમણની ક્રિયાનો સાચો અધિકા૨ી બનાવે છે, એટલે ‘પ્રતિક્રમણની ક્રિયા' સામાયિક, ચતુર્વિશતિ-સ્તવ અને વંદનપૂર્વક કરવી જરૂરી છે, તથા આવી લોકોત્તર ક્રિયાની વિશેષ સાર્થકતા થાય તે માટે ‘પ્રતિક્રમણ' કર્યા પછી કાયા, વાણી અને મનના ઉત્સર્ગરૂપ કાયોત્સર્ગ તથા નાના પ્રકારની સંયમધારણારૂપ પ્રત્યાખ્યાન ગ્રહણ કરાય, તે પણ તેટલું જ જરૂરી છે.
મુમુક્ષુઓ પ્રતિક્રમણના પવિત્ર પંથે ચાલીને સિદ્ધિપદની સાધના સિદ્ધ કરે-એ જ અભ્યર્થના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org