Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ચઉક્કસાય સૂત્ર૪૩૩
આ ચૈત્યવંદનમાં શ્રી પાર્શ્વનાથની વિવિધ રીતે સ્તુતિ કરવામાં આવી છે. પ્રથમ તો તેમને ચાર કષાયરૂપી શત્રુયોદ્ધાઓને જિતનારા જણાવ્યા છે, કારણ કે જયાં સુધી કષાયો જિતાય નહિ, ત્યાં સુધી નિર્મળ ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. આત્મા મલ્લ છે. તો કષાયો પ્રતિમલ્લ છે. એટલે તેના પર વિજય ‘મેળવવો જ જોઈએ. પછી તેમને કામદેવ પર વિજય મેળવનારા જણાવ્યા છે, કારણ કે કષાય પર જય મેળવવાનું જેટલું જરૂરી છે, તેટલું જ જરૂરી નવ નોકષાયો પર વિજય મેળવવાનું છે અને તેમાં મુખ્યતા મદન કે કામની છે. આ રીતે શ્રીપાર્શ્વનાથ પ્રભુ ચારિત્રમોહનીયની ૨૫ પ્રકૃતિઓ પર તેમ જ ઉપલક્ષણથી દર્શનમોહનીયની ૩ પ્રકૃતિઓ પર એમ કુલ મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓ પર વિજય મેળવનાર હોઈ સંપૂર્ણ શુદ્ધ અખંડ ચારિત્રવાન છે; તેથી સૂતી વખતે તેમનું સ્મરણ આ રીતે કરવું એ ચારિત્ર-શુદ્ધિ માટે ઘણું જ ઉપકારક છે. વળી શ્રી પાર્શ્વનાથ પ્રભુ પ્રિયંગુલતા જેવા નીલ આભાવાળા છે, હાથીના જેવી સુંદર ચાલવાળા છે અને ત્રણ ભુવનના સ્વામી છે. તેમનો જય ઇચ્છવા વડે આઈજ્યનો અથવા ચારિત્રધર્મનો જય ઇચ્છવામાં આવ્યો છે. સમ્યગ્દષ્ટિવાળો મનુષ્ય હંમેશાં એ જ ઈચ્છા રાખે છે કે જગતમાં ચારિત્રધર્મની વૃદ્ધિ થાય અને તે રીતે દરેક આત્મા પોતાનું આત્યંતિક કલ્યાણ કરે.
બીજી ગાથામાં શ્રી પાર્શ્વનાથના બાહ્ય સ્વરૂપનું કે દેહનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી પાર્શ્વનાથના શરીરમાંથી અપૂર્વ તેજોમંડળ પ્રફુટિત થઈ રહ્યું છે. તે અતિમનોહર એટલે નેત્રોને મુગ્ધ કરે તેવું છે. વળી તેમના મસ્તક પર ધરણંદ્રની ફેણો છત્રરૂપે રહેલી હોવાથી. તેમજ તેની અંદર રહેલા મણિઓમાંથી અનેરી દિવ્ય પ્રભા નીકળતી હોવાથી તેઓ એવા સુંદર લાગે છે કે જાણે વીજળીના ચમકારાથી યુક્ત નવીન મેઘ ઊમટ્યો હોય ! આવા નીલપ્રભાવાળા અને ધરણંદ્રની સેવાથી યુક્ત એવા શ્રી પાર્શ્વનાથ મનોવાંછિત ફલની સિદ્ધિ કરે, એ છેલ્લી અભિલાષા-પૂર્વક ચૈત્યવંદનની પૂર્ણાહુતિ કરવામાં આવી છે.
(૭) પ્રકીર્ણક આ સૂત્ર અતિપ્રાચીન છે. સૂત્રની ભાષા અપભ્રંશ છે.
પ્ર.-૨-૨૮ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org