________________ 027 || શ્રી શત્રુંજયતીર્થ મંડન શ્રી આદિનાથાય નમઃ || || શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ || | ઐ નમઃ || પંચાશક પ્રકરણ મહાસાગરમાં પ્રવેશ કરવા, તરવા માટે જેમ વહાણની = નાની હોડીની જરૂર છે, એમ વિશાળ જિનાગમરૂપી મહાસાગરમાં પ્રવેશ કરવા માટે પ્રકરણોની - નૂતન ગ્રન્થોની જરૂર છે. પ્રાચીનગ્રન્થો બહુ મોટા હોય, અત્યંત ગહન હોય, સાધક તેનો અભ્યાસ કરવા જાય તો કાંતો કંઈ સમજાય નહિ, કાંતો ઉંધુ સમજાય, કાંતો ઓછું સમજાય, આવું કાંઈ જ ન થાય એ માટે તેનું ઘડતર જરૂરી છે, સાઘકને જ્ઞાનાભ્યાસ સુંદર રીતે થાય એ માટે પ્રકરણ ગ્રંથો અત્યંત ઉપયોગી છે. વાચકપ્રવર ઉમાસ્વાતિજી મહારાજે સાધકોને સરળતાથી તત્ત્વજ્ઞાન પમાડવા તત્ત્વાર્થસૂત્ર આદિ 500 પ્રકરણ ગ્રંથોની રચના કરી. તેમના જ પગલે પગલે સમર્થ શાસ્ત્રકાર હરિભદ્રસૂરિજી મહારાજે પંચાશક, ઉપદેશ પદ આદિ 1444 ગ્રંથોની રચના કરી. શ્રાવકધર્મ અને સાધુધર્મના વિષયને પૂજ્યશ્રીએ પંચાશક પ્રકરણ ગ્રંથ દ્વારા પ્રસ્તુત કરેલ છે. આ ગ્રંથમાં કુલ 19 વિષયો છે. દરેક વિષયને પ્રાયઃ 50 ગાથા દ્વારા વર્ણવ્યો છે માટે 50 ગાથાના આ વિષયને પંચાશક નામથી ગ્રંથકાર ઓળખાવે છે. આ પંચાશક પ્રકરણ ઉપર પૂ.આ.યશોભદ્રસૂરિજીએ ટીકા બનાવેલ જેની એક માત્ર તાડપત્રપ્રત જેસલમેરમાં હતી તેના આધારે સંશોધન કરીને 5 વર્ષ પૂર્વે ગ્રંથ પ્રકાશિત કરેલ. તાડપત્રમાં 18 પંચાશકની 46 ગાથા સુધીની ટીકા હતી. ત્યારપછીની પૂ.નવાંગીવૃત્તિકાર આ. અભયદેવસૂરિજી મ. ની પ્રકાશિત ટીકા (18-47 થી 19-44) સંપૂર્ણ ગ્રંથની તે પુસ્તકમાં મુકી હતી. આ ટીકાનો ગુજરાતી અનુવાદ પ.પૂ.ગીતાર્થ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરિજી મહારાજે કરેલ. બાકીના ગ્રંથનો તે અનુવાદ અત્રે સાભાર રજૂ કરવામાં કરવામાં આવેલ છે. આ ગ્રંથનો ગુજરાતી ભાવાનુવાદ કરવામાં આવે તો અનેક સાધકોને ઉત્તમ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય. આવી ભાવનાથી મેં ભાવાનુવાદ માટે શ્રુતજ્ઞાનસાધનામાં અત્યંત નિપુણ એવા સાધ્વીજી ભગવંતને પ્રેરણા કરી, અને ઉપયોગપૂર્વક ધીરતાથી સમગ્ર ગ્રન્થનો ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ તેમણે કર્યો. જેમાં મૂળ ગાથા તેની સંસ્કૃત છાયા, ગાથાનો અર્થ અને ટીકાનો અર્થ, તથા અમુક સ્થળે ટિપ્પણ કરેલા છે નામના અને પ્રસિદ્ધિથી અત્યંત નિર્લેપ એવા સાધ્વીજી ભગવંતે પોતાનું નામ જાહેર ન કરવા મને આગ્રહપૂર્વક વિનંતિ કરી છે. તેમણે કરેલ અનુવાદમાં ટીકાર્થ અન્વયાર્થ ક્રમ પ્રમાણે ન હતો, અભ્યાસુને સરળતા થાય માટે ટીકાર્થને ક્રમાનુસાર ગોઠવ્યો, તથા જરૂરી સુધારા કર્યા. આમ, પંચાશક ગ્રંથની પૂજ્ય યશોભદ્રસૂરિજી મ.ની ટીકાનું અધ્યયન ભાવાનુવાદને કારણે સમસ્ત સંઘમાં સરળતાથી થશે. પંચાશક ગ્રંથના રચયિતા પૂજય હરિભદ્રસૂરિજી મહારાજા તથા ટીકાકાર પૂજ્ય યશોભદ્રસૂરિજી મહારાજાનું જીવન ચરિત્ર તથા પંચાશક ગ્રન્થનું વિસ્તૃત વિષય વર્ણન પૂર્વે પંચાશક પ્રકરણ - સંસ્કૃત ટીકા પૂ. યશોભદ્રસૂરિજી મ.નું પુસ્તક અને સંશોધન કરેલ તેમાં ગુજરાતી ભાષામાં જણાવ્યું છે. જીજ્ઞાસુએ ત્યાંથી તે વિગતો જાણવી. આ ગ્રંથમાં દરેક પંચાશકના વિષયને દર્શાવવા ગાથાનુસાર ગુજરાતી ભાષામાં વિસ્તૃત અનુક્રમણિકા બનાવી છે. જે અભ્યાસુ તથા સંશોધકવર્ગને ખૂબ ઉપયોગી પૂરવાર થશે.