Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
(૧) દરેક ક્રિયાનું કોઈ ને કોઈ ફળ અવશ્ય હોય છે. બીજા શબ્દોમાં, કોઈ પણ ક્રિયા ફળ વિનાની નથી હોતી. આ સિદ્ધાન્તને કાર્ય-કારણભાવ કે કર્મફલભાવ કહે છે.
(૨) જો કોઈ ક્રિયાનું ફળ જીવને વર્તમાન જન્મમાં ન મળે તો તે ફળ તે જીવને મળે એ માટે તેનો ભાવિ જન્મ અનિવાર્ય બની જાય છે.
(૩) કર્મના કર્તારૂપ અને કર્મફળના ભોક્તારૂપ સ્વતન્ત્ર આત્મતત્ત્વ નિરન્તર એક ભવથી બીજા ભવમાં ભમ્યા કરે છે. કોઈ ને કોઈ ભવના માધ્યમ દ્વારા જ તે એક નિશ્ચિત કાળમર્યાદામાં રહીને પૂર્વકૃત કર્મોનાં ફળ ભોંગવે છે અને નવાં કર્મો બાંધે છે. કર્મોની આ પરંપરાને તોડવાનું પણ તેની શક્તિની બહાર નથી.
(૪) જન્મજાત વ્યક્તિભેદ કર્મજન્ય છે. વ્યક્તિઓના વ્યવહારમાં તેમ જ સુખ-દુઃખમાં જે વિષમતા જણાય છે તેનું કારણ વ્યક્તિઓએ કરેલાં કર્મોની વિષમતા છે.
(૫) જીવ પોતે જ કર્મબંધનો અને કર્મભોગનો અધિષ્ઠાતા છે. જીવ સિવાય જેટલાં પણ કારણો જણાય છે તે બધાં સહકારી કે નિમિત્તભૂત કારણો છે. કર્મવાદ અને ઇચ્છાસ્વાતન્ત્ય
જીવ અનાદિ કાળથી કર્મપરંપરામાં ફસાયો છે. જૂનાં કર્મોનો ભોગ અને નવાં કર્મોનો બંધ અનાદિ કાળથી ચાલતો આવે છે. જીવ પોતાનાં કરેલાં કર્મોને ભોગવતો રહે છે અને નવાં કર્મોને બાંધતો રહે છે. આમ હોવા છતાં પણ એમ કહી શકાય નહિ કે જીવ સર્વથા કર્મને અધીન છે, એટલે કે જીવ કર્મબંધને રોકવા સમર્થ નથી. જો જીવના પ્રત્યેક કાર્યને કર્માધીન જ માનવામાં આવે તો જીવ પોતાની આત્મશક્તિનો સ્વતન્ત્રતાપૂર્વક ઉપયોગ કેવી રીતે કરી શકે ? બીજા શબ્દોમાં, જીવને સર્વથા કર્માધીન માનતાં ઇચ્છાસ્વાતન્ત્યનું કોઈ જ મૂલ્ય રહેતું નથી. પ્રત્યેક ક્રિયાને જો કર્મમૂલક જ ગણવામાં આવે તો જીવનો ન તો પોતાના પર કોઈ અધિકાર રહે છે, ન તો બીજાઓ પર. આવી દશામાં જીવની બધી જ ક્રિયાઓ સ્વચાલિત યન્ત્રની જેમ સ્વતઃ ચાલ્યા કરશે. જીવનાં જૂનાં કર્મો સ્વતઃ પોતાનાં ફળ આપતાં રહેશે અને જીવની તત્કાલીન નિશ્ચિત કર્માધીન પરિસ્થિતિ અનુસાર નવાં કર્મો બંધાતાં રહેશે અને આ નવાં બંધાયેલા કર્મો સમય આવ્યે ભવિષ્યમાં પોતાનાં ફળો જીવને આપશે આ રીતે કર્મપરંપરા સ્વચાલિત યન્ત્રની જેમ પોતાંની મેળે આગળ ને આગળ ચાલ્યા જ કરશે. પરિણામે કર્મવાદ નિયતિવાદ કે અનિવાર્યતાવાદ જ બની રહેશે
૧.
Determinism or Necessitarianism
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org