Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પહેલું પ્રકરણ
કર્મવાદ ભારતીય તત્ત્વચિંતનમાં કર્મવાદનું સ્થાન ખૂબ જ મહત્ત્વનું છે. ચાર્વાકોને બાદ કરતાં ભારતના બધી શ્રેણીના વિચારકો કર્મવાદથી પ્રભાવિત રહ્યા છે. ભારતીય દર્શન, ધર્મ, સાહિત્ય, કલા, વિજ્ઞાન વગેરે પર કર્મવાદનો પ્રભાવ દેખાય છે. સુખ-દુઃખ અને સાંસારિક વૈવિધ્યનું કારણ ખોળતાં ખોળતાં ભારતીય વિચારકોએ કર્મના અદૂભૂત સિદ્ધાન્તને શોધી કાઢ્યો છે. ભારતીય જનતાની એ સામાન્ય માન્યતા રહી છે કે પ્રાણી જે સુખ કે દુઃખ પામે છે તે તેણે કરેલા કર્મના ફળ સિવાય બીજું કંઈ નથી. જીવ અનાદિકાળથી કર્મવશે જ વિવિધ ભવોમાં ભ્રમણ કરી રહ્યો છે. જન્મ અને મૃત્યુની જડ કર્મ છે. જન્મ-મરણ જ સૌથી મોટું દુઃખ છે. જીવ પોતાના શુભ અને અશુભ કર્મો સાથે જ પરભવમાં જાય છે. જે જેવું કરે છે તેને તેવું જ ફળ ભોગવવું પડે છે. “જેવું વાવે તેવું લણે”નું તાત્પર્ય જ આ છે. એક જીવે કરેલા કર્મના ફળનો અધિકારી બીજો જીવ બનતો નથી. જે પ્રાણી જે કર્મ કરે છે તે જ પ્રાણી સાથે તે કર્મનો સંબંધ છે, બીજા પ્રાણી સાથે નથી. કર્મવાદની સ્થાપનામાં જો કે ભારતની બધી જ દાર્શનિક અને નૈતિક શાખાઓએ પોતાનો ફાળો આપ્યો છે તેમ છતાં જૈન પરંપરામાં કર્મવાદનું જે સુવિકસિત રૂપ દેખાય છે તે અન્યત્ર મળતું નથી. જૈન આચાર્યોએ જે રીતે કર્મવાદનું સુવ્યવસ્થિત, સુસંબદ્ધ અને સર્વાગપૂર્ણ નિરૂપણ કર્યું છે તે રીતનું નિરૂપણ અન્યત્ર દુર્લભ જ નહિ, અલભ્ય પણ છે. કર્મવાદ જૈન વિચારધારા અને આચારપરંપરાનું છૂટું ન પાડી શકાય એવું અંગ બની ગયો છે. જૈન દર્શન અને આચારની બધી જ મહત્ત્વની માન્યતાઓ અને ધારણાઓ કર્મવાદ ઉપર આધારિત છે.'
કર્મવાદના આધારભૂત સિદ્ધાન્તો નીચે મુજબ છે :
૧. કર્મવાદનું મૂળ સંભવતઃ જૈન પરંપરામાં છે. કર્મવાદની ઉત્પત્તિ વિશેના
ઐતિહાસિક વિવેચન માટે જુઓ–પં. દલસુખ માલવણિયા : આત્મમીમાંસા, પૃ. ૭૯-૮૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org