Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કર્મવાદ
૧૫
પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે કે કઈ કર્મપ્રકૃતિના કેટલા પ્રદેશો હોય છે અને એમનો તુલનાત્મક અનુપાત શું છે. કર્મરૂપે ગૃહીત પૌદ્ગલિક પરમાણુઓના કર્મફળનો સમયગાળો લાંબો કે ટૂંકો તેમ જ તેમનો વિપાક તીવ્ર કે મંદ એનો નિશ્ચય આત્માના અધ્યવસાયની અર્થાત્ કષાયની તીવ્રતા-મંદતા ઉપર આધાર રાખે છે. કર્મવિપાકના સમયગાળાનું નિશ્ચિત થવું સ્થિતિબંધ કહેવાય છે અને કર્મવિપાકની તીવ્રતા-મંદતાનું નિશ્ચિત થવું અનુભાગબંધ કહેવાય છે. કષાયના અભાવમાં કર્મપરમાણુ આત્મા સાથે બદ્ધ રહી શકતા નથી. જેમ સૂકા કપડા પર પડેલી રજ બરાબર ચોટ્યા વિના અડકીને અલગ થઈ જાય છે, ખરી પડે છે તેમ આત્મામાં કષાયની ભીનાશ ન હોય તો કર્મરજ (કર્મપરમાણુ) આત્મા સાથે બંધાયા વિના જ કેવળ આત્માનો સ્પર્શ કરી અલગ થઈ જાય છે, ખરી પડે છે. કષાય વિના થતી (ચાલવા-ફરવા જેવી) ઇર્યાપથ ક્રિયાઓથી થનારો નિર્બળ શિથિલ કર્મબંધ અસાંપરાયિક બંધ કહેવાય છે. કષાયપૂર્વક કરાતી ક્રિયાઓથી થતો કર્મબંધ સાંપરાયિક કર્મબંધ કહેવાય છે. અસાંપરાયિક કર્મબંધ ભવભ્રમણનું કારણ બનતો નથી. સાંપરાયિક કર્મબંધથી જ જીવને સંસારમાં ભમવું પડે છે. કર્મનો ઉદય અને ક્ષય
કર્મ બંધાયું કે તરત જ તે પોતાનું ફળ આપવાનું શરૂ કરી દેતું નથી. કેટલાક સમય સુધી તો તે એમનું એમ પડ્યું રહે છે. કર્મના આ ફલહીન કાળને જૈન પિરભાષામાં અબાધાકાળ કહે છે. અબાધાકાલ પૂરો થતાં બદ્ધકર્મ પોતાનું ફળ આપવાનું શરૂ કરે છે. કર્મફળના આ પ્રારંભને જ કર્મનો ઉદય કહેવામાં આવે છે. કર્મો પોતાના સ્થિતિબંધ અનુસાર ઉદયમાં આવે છે અને ફળ દઈ આત્માથી અલગ થઈ જાય છે. આનું નામ નિર્જરા છે. જે કર્મની જેટલી સ્થિતિનો બંધ થયો હોય છે તે કર્મ તેટલી અવિધ સુધી ક્રમશઃ ઉદયમાં આવે છે. બીજા શબ્દોમાં, કર્મનિર્જરાનો પણ તેટલો જ કાળ હોય છે જેટલો કાળ કર્મસ્થિતિનો હોય છે. જ્યારે સઘળાં કર્મો આત્માથી અલગ થઈ જાય છે ત્યારે જીવ કર્મમુક્ત થઈ જાય છે. એને જ મોક્ષ કહેવામાં આવે છે. કર્મપ્રકૃતિ અને કર્મફળ
જૈન કર્મશાસ્ત્રમાં કર્મની આઠ મૂળ પ્રકૃતિઓ માનવામાં આવી છે. આ પ્રકૃતિઓ જીવને જુદી જુદી જાતનાં અનુકૂળ અને પ્રતિકૂળ ફળ આપે છે. આ પ્રકૃતિઓનાં નામ આ પ્રમાણે છે : (૧) જ્ઞાનાવરણ, (૨) દર્શનાવરણ, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુ, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અન્તરાય. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અન્તરાય એ ચાર ઘાતી પ્રકૃતિઓ છે કારણ કે તે પ્રકૃતિઓથી
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org