Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૬૪
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ આ પ્રાભૃતની કેટલીય ગાથાઓનું સમાધિશતકના પદ્યો સાથે સામ્ય જણાય છે. જો આ પાહુડના કર્તા કુન્દકુન્દ જ હોય તો પૂજ્યપાદે એનો ઉપયોગ કર્યો છે એમ કહી શકાય. ટીકા – ધૃતસાગરની તેના ઉપર ટીકા છે.
૭. લિંગપાહુડ (લિંગપ્રાભૃત) – આમાં ૨૨ ગાથા છે. અંતિમ ગાથામાં લિંગપાહુડ' નામ છે. સાચો શ્રમણ કોણ કહેવાય તે આમાં સમજાવ્યું છે. ભાવલિંગરૂપ સાધુતાથી રહિત દ્રવ્યલિંગ વ્યર્થ છે એમ અહીં કહેવામાં આવ્યું છે. સાધુવેશમાં રહીને જે નાચવું, ગાવું, વગેરે કાર્ય કરે તે સાધુ નથી, પરંતુ પશુ છે; જે શ્રમણ અબ્રહ્મનું આચરણ કરે છે તે સંસારમાં ભટકે છે; જે શ્રમણ વિવાહ કરાવે, કૃષિકર્મ, વાણિજય અને જીવહિંસા કરાવે તે દ્રવ્યલિંગી શ્રમણ નરકમાં જાય છે – આવા કથન દ્વારા તેમાં મુસાધુનું સ્વરૂપ વર્ણવ્યું છે. લિંગ વિશેનું નિરૂપણ અમુક અંશે ભાવપાહુડમાં પણ છે.
ટીકા – લિંગપાહુડ અને સીલપાહુડ ઉપર એક પણ સંસ્કૃત ટીકા જો રચાઈ હોય તો તે પ્રભાચન્દ્રની મનાય છે.
૮. સીલપાહુડ (શીલપ્રાભૃત) – આ કૃતિમાં ૪૦ ગાથા છે. તેમાં શીલનું મહત્ત્વ દર્શાવ્યું છે. પ્રથમ ગાથામાં શીલના (બ્રહ્મચર્યના) ગુણો કહેવાની પ્રતિજ્ઞા છે. બીજી ગાથામાં કહ્યું છે કે શીલનો જ્ઞાનની સાથે વિરોધ નથી. પાંચમી ગાથામાં ઉલ્લેખ છે કે ચારિત્રરહિત જ્ઞાન, દર્શનરહિત લિંગગ્રહણ અને સંયમરહિત તપ નિરર્થક છે. સોળમી ગાથામાં વ્યાકરણ, છન્દ, વૈશેષિક, વ્યવહાર અને ન્યાયશાસ્ત્રનો ઉલ્લેખ છે. ઓગણીસમા પદ્યમાં જીવદયા, દમ, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, સન્તોષ, સમ્યગ્દર્શન, જ્ઞાન અને તપને શીલનો પરિવાર ગણ્યો છે. દશપૂર્વી સુરત્તપુત્ત (સાત્યકિપુત્ર) વિષયલોલુપતાના કારણે નરકમાં ગયો એમ ત્રીસમી ગાથામાં કહ્યું છે.
આમ આઠ પાહુડોનો સંક્ષિપ્ત પરિચય થયો. આ પાહુડો કુન્દકુન્દરચિત છે કે નહિ એનો નિર્ણય કરવા માટે વિશિષ્ટ સાધનની અપેક્ષા છે. આ બધી સંગ્રહાત્મક કૃતિઓ છે. તેમનું સમીક્ષાત્મક સંસ્કરણ પ્રકાશિત થવું જોઈએ. કેટલાંક પાહુડોમાં અપભ્રંશનાં ચિહ્ન જણાય છે. પાહુડોનો ઉપયોગ ઉત્તરાકાલીન ગ્રન્થકારોએ કર્યો છે. જોઈન્દુની કૃતિ પાહુડોનું સ્મરણ કરાવે છે.
૧. અંગ્રેજી પરિચય માટે જુઓ પવયણસારની અંગ્રેજી પ્રસ્તાવના, પૃ. ૨૯-૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org