Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કર્મવાદ
૧૭ છે. આ પ્રકારના દર્શનનો અવરોધ કરનાર કર્મને અવધિદર્શનાવરણ કહેવાય છે. જગતના સકળ સૈકાલિક પદાર્થોના સામાન્ય અવબોધને કેવલદર્શન કહેવામાં આવે છે. આ પ્રકારના દર્શનનું આવરણ કરનારું કર્મ “કેવલદર્શનાવરણ' નામથી પ્રસિદ્ધ છે. નિદ્રા વગેરે અંતિમ પાંચ પ્રકૃતિઓ પણ દર્શનાવરણીય કર્મનું કાર્ય છે. ઊંઘતું પ્રાણી થોડોક અવાજ થતાં જ જાગી જાય, તેને જગાડવા માટે પ્રયત્ન ન કરવો પડે, તો તેની ઊંઘને નિદ્રા કહેવાય છે. જે કર્મના ઉદયથી આ જાતની ઊંઘ આવે તે કર્મનું નામ પણ નિદ્રા છે. ઊંઘતી વ્યક્તિને જગાડવા મોટેથી ઘાંટા પાડવા પડે, તેને જોરથી ઢંઢોળવી પડે અને પછી જ મહામુશ્કેલીએ તે જાગે, તો તેની તે ઊંઘને તેમ જ તેના નિમિત્તભૂત કર્મને નિદ્રાનિદ્રા કહેવામાં આવે છે. ઊભા-ઊભા કે બેઠા-બેઠા આવતી ઊંઘને પ્રચલા કહે છે અને તેના નિમિત્તભૂત કર્મને પણ પ્રચલા કહે છે. હાલતાચાલતા આવતી ઊંઘને પ્રચલાપ્રચલા કહે છે અને તેના નિમિત્તભૂત કર્મને પણ પ્રચલાપ્રચલા કહે છે. દિવસે કે રાતે વિચારેલા ખાસ કામને જે ઊંઘ દરમ્યાન પૂર્ણ કરવામાં આવે છે તે ઊંઘને સ્થાનદ્ધિ કે સ્યાનગૃદ્ધિ કહેવામાં આવે છે. જે કર્મના ઉદયથી આ પ્રકારની ઊંઘ આવે તે કર્મનું નામ પણ સ્થાનદ્ધિ કે સ્યાનગૃદ્ધિ છે.
વેદનીય (અથવા વેદ્ય) કર્મની બે ઉત્તરપ્રકૃતિઓ છે : સાતા અને અસાતા. જે કર્મના ઉદયથી જીવને અનુકૂળ વિષયની પ્રાપ્તિ દ્વારા સુખનો અનુભવ થાય તેને સાતાવેદનીય કર્મ કહે છે. જે કર્મના ઉદયથી જીવને પ્રતિકૂળ વિષયની પ્રાપ્તિ દ્વારા દુઃખનો અનુભવ થાય તેને અસતાવેદનીય કર્મ કહે છે. આત્માને વિષયનિરપેક્ષ સ્વરૂપસુખનો અનુભવ કોઈ પણ કર્મના ઉદયની અપેક્ષા રાખ્યા વિના સ્વતઃ જ થાય છે. આ પ્રકારનું વિશુદ્ધ સુખ આત્માનો સ્વાભાવિક ધર્મ છે. તે સાધારણ સુખની કોટિથી ઉપર છે.
મોહનીય કર્મની મુખ્ય બે ઉત્તરપ્રકૃતિઓ છે : દર્શનમોહ અર્થાત દર્શનની ઘાતક, અને ચારિત્રમોહ અર્થાત્ ચારિત્રની ઘાતક. જે પદાર્થ જેવો છે તેને તેવો જ સમજવો એનું નામ દર્શન. આ દર્શન તત્વાર્થશ્રદ્ધાનરૂપ આત્મગુણ છે. આ ગુણનો ઘાત કરનારા કર્મનું નામ દર્શનમોહનીય છે. જેના દ્વારા આત્મા પોતાના ખરા સ્વરૂપને પ્રાપ્ત કરે છે તેને ચારિત્ર કહે છે. ચારિત્રનો ઘાત કરનારા કર્મને ચારિત્રમોહનીય કહે છે. દર્શનમોહનીય કર્મના વળી ત્રણ ભેદ છે: સમ્યક્વમોહનીય, મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીય. સમ્યક્વમોહનીયના દલિકો અર્થાત્ કર્મપરમાણુઓ શુદ્ધ હોય છે. આ કર્મ શુદ્ધ સ્વચ્છ પરમાણુઓવાળું હોવાને કારણે તત્ત્વરુચિરૂપ સમ્યક્તને બાધા પહોંચાડતું નથી તેમ છતાં તેના ઉદયથી આત્માને સ્વાભાવિક સમ્યક્ત (= કર્મ નિરક્ષેપ સમ્યક્ત= ક્ષાયિક સમ્યત્વ)નો લાભ થઈ શકતો નથી. પરિણામે તેને
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org.