Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
Education International
આચારાંગસૂત્રની ભાષા :
જૈન આગમોની સામાન્ય રૂપે અર્ધમાગધી ભાષા છે. જૈન પરંપરાનું ઐતિહાસિક દષ્ટિથી ચિંતન કરીએ તો સૂર્યના પ્રકાશની જેમ સ્પષ્ટ જણાશે કે આ પરંપરામાં ભાષાનું મહત્ત્વ રહ્યું નથી, તેઓનું સ્પષ્ટ મંતવ્ય છે કે કેવળ ભાષાજ્ઞાનથી માનવના ચિત્તની શુદ્ધિ કે આત્મવિકાસ થઈ શકતો નથી. ચિત્તશુદ્ધિનું મૂળકારણ સદ્વિચાર છે. ભાષા એ તો વિચારોનું વાહન છે માટે જૈન મનીષીગણો સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને અન્ય પ્રાન્તીય ભાષાઓને સ્વીકારતા રહ્યા છે અને તેમાં વિપુલ સાહિત્યનું સર્જન કરતા રહ્યા છે. આ રીતે મૌલિક આગમ તો અર્ધમાગધીમાં જ છે, અન્ય સાહિત્ય અનેક ભાષાઓમાં છે.
આચારાંગસૂત્રમાં દાર્શનિક વિષય :
આચારાંગ સૂત્રમાં જૈનદર્શનના મૂળતત્ત્વો સમાયેલા છે, તે આચારાંગના અધ્યયનથી સ્પષ્ટ થાય છે. તે યુગના અન્ય દાર્શનિકોના વિચારોથી શ્રમણ ભગવાન મહાવીરસ્વામીની વિચારધારા અત્યધિક ભિન્ન હતી. પાલી–પિટકોના અધ્યયનથી પણ આ વાત સ્પષ્ટ થાય છે કે ભગવાન મહાવીરના સમયમાં બીજી અનેક શ્રમણ પરંપરાઓ પણ હતી. તે શ્રમણોની વિચારધારા ક્રિયાવાદી, અક્રિયાવાદીના રૂપમાં ચાલી રહી હતી. જે કર્મ અને તેના ફળને માનતા હતા તે ક્રિયાવાદી હતા, જે કર્મ તથા કર્મ ફળ ને માનતા ન હતા તે અક્રિયાવાદી હતા. ભગવાન મહાવીરસ્વામી અને તથાગત બુદ્ધ ક્રિયાવાદી હતા, છતાં બંનેના ક્રિયાવાદમાં અંતર હતું. તથાગત બુદ્ઘ ક્રિયાવાદને સ્વીકારતા હોવા છતાં શાશ્વત આત્મવાદનો સ્વીકાર કર્યો નથી. જ્યારે ભગવાન મહાવીરે આત્મવાદના મૂળ પાયા ઉપર જ ક્રિયાવાદનો ભવ્ય મહેલ ઊભો કર્યો છે. જે આત્મવાદી છે તે લોકવાદી છે. જે લોકવાદી છે તે કર્મવાદી છે. જે કર્મવાદી છે તે ક્રિયાવાદી છે. આ રીતે ભગવાન મહાવીરનો ક્રિયાવાદ તથાગત બુદ્ધથી અલગ છે. કર્મવાદની મુખ્યતા હોવાના કારણે ઈશ્વર, બ્રહ્મ આદિથી સંસારની ઉત્પત્તિ માનવામાં આવી નથી. સૃષ્ટિ અનાદિની છે તેથી જ તેનો કોઈ કર્તા નથી. ભગવાન મહાવીરે સ્પષ્ટ કહ્યું છે કે– જ્યાં સુધી કર્મ છે, આરંભ છે, સમારંભ છે, હિંસા છે ત્યાં સુધી સંસારમાં પરિભ્રમણ છે, દુઃખ
છે.
જ્યારે આત્મા કર્મ સમારંભનો પૂર્ણરૂપથી ત્યાગ કરે છે ત્યારે તેના સંસાર પરિભ્રમણની પરંપરા અટકી જાય છે. જેણે કર્મ સમારંભનો ત્યાગ કર્યો છે તે શ્રમણ છે.
43
ivate & Personal Use Only
www.jainlibrary