Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પરિશિષ્ટ-૧,
૪૦૧ |
પણ આટલું જાણી કે સમજી લેવાથી એ દૂર થઈ જશે એવું, કિંવા વિકલ્પ એ તો મનનો એક સ્વાભાવિક અને સ્વતંત્ર ગુણ છે તેને દૂર કેમ કરી શકાય એવું માની કોઈ તે તરફ બેદરકાર ન રહે.
વિકલ્પ એ વૃત્તિનું એક પ્રકારનું સ્પંદન (કંપન) છે, મનોદ્રવ્યની એક ક્રિયા છે એ ખરું, પરંતુ તોય એ નિવાર્ય તો છે જ. એટલે મનમાં ઉત્પન્ન થતા વિકલ્પોનું વિવેકબુદ્ધિ દ્વારા સમાધાન કરી તેમને શાંત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
જે સાધકો વિકલ્પોનું શમન ન કરતાં વધુ વેગ આપે છે એમનું મન એટલું જ ઉગ્ર અને ચંચળ બને છે, એમની સ્મૃતિ પણ શુદ્ધ રહેતી નથી અને એથી જ તેઓ ઉપયોગભ્રષ્ટ થઈ નિમિત્તો મળતાં દંભ, અભિમાન, ક્રોધ અને એવા તામસી ગુણો તરફ ખેંચાઈ જાય છે. આવા સાધકને શાંતિ કયાંથી હોય!
વિકલ્પવાન પ્રત્યેક સ્થળે શંકાશીલ હોવાથી કશી પ્રગતિ સાધી શકતો નથી. આ સ્થળે એ પણ કહી દેવું ઉચિત છે કે વિકલ્પોને કેટલાક અજ્ઞાન સાધકો વિચાર કે ચિંતન માને છે. એ તેમનો મહાન ભ્રમ છે.વિચાર અને ચિંતનમાં નિર્ણય હોય છે, વિકલ્પમાં નિર્ણય હોતો નથી. વિકલ્પવાન સાધક ગૂંચવાયેલા સૂતરની જેમ ઉકેલવા જતાં વધુ ગુંચવાતો જાય છે અને એને આવા વિકલ્પોથી માનસિક દર્દો પણ શીધ્ર લાગુ પડી જવાનો સંભવ રહે
(ઉદ્દેશક ૫, સૂત્ર ૩) ઉપરના કથનથી એમ કહે છે કે સાચો કે ખોટો નિર્ણય તુરત સ્વીકારવા કરતાં ભલેને મોડો થાય તોયે સાચો જ નિર્ણય કરવો એ સારો સિદ્ધાંત છે અને સાધકને સુત્રકાર કહે છે કે, બંધુ! મૌન ભજ. તારી શક્તિ અને અનુભવથી આ બીના પર છે, હજુ જેને નિર્ણયનું યે દર્શન ન થયું હોય તે શુદ્ધ નિર્ણય કયાંથી કરી શકે? અને નિર્ણયની શુદ્ધિ વિના સિદ્ધાંત કેવો? એટલે અહીં જે કહેવાય છે તે ઉપર જ લક્ષ્ય આપ. તારા અનુભવ કે કલ્પનાને કોરે મૂક અને આ બીનાને ફરીથી તપાસ.
"જેની શ્રદ્ધા પવિત્ર છે" આ વાક્યમાં તો સૂત્રકાર વિલક્ષણ કહી નાખે છે. શ્રદ્ધા અહીં આશયના અર્થમાં છે. જેનો આશય શુદ્ધ છે તેને સત્ય હોય કે અસત્ય હોય તેની કંઈ ચિંતા નથી. અસત્ય હોય તોયે તેને તે સત્ય રૂપમાં પરિણમે છે.
આ વાત ખૂબ ઊંડી છે, અનુભવ વિના ગમ્ય પણ નથી. આનો ટૂંકસાર એ છે કે, સાધક સત્યાસત્યની બહારની ભાંજગડમાં ન પડતાં કેવળ આશયની પવિત્રતા પર વધુ લક્ષ આપે, એ યોગ્ય છે; કારણ કે સાધક દશામાં રહેલો માનવી સત્યાસત્યને પોતાની દષ્ટિથી જ માપતો હોય છે. આથી ઘણીવાર એવું પણ બને કે જે એની દષ્ટિમાં અસત્ય દેખાતું હોય તે સત્ય હોય અને સત્ય દેખાતું હોય તે અસત્ય હોય. સારાંશ કે સત્ય કે અસત્ય એ તેની દષ્ટિએ સાપેક્ષ છે. નિશ્ચિત સત્યને તો પૂર્ણ જ્ઞાનની દષ્ટિ જ તોલી શકે. એ તોલ કાઢવાની બીજાનાં છાબડામાં શક્તિ નથી હોતી અને નહોઈશકે. તોયે આખા જગતને જાણે ન્યાય આપી દેવા માટે પોતાને ન્યાયાધીશ તરીકે મોકલ્યો ન હોય, તેમ માનવ બીજાના ગુણદોષો જોયા કરે છે. એટલું જ નહિ પણ ઉપલક દષ્ટિએ જોયું ન જોયું, ને ન્યાય આપી દેવા એ બહાર પડે છે.
આનો અર્થ એ નથી કે સત્ય કે અસત્યને સાધકે તપાસ્યા વગર હાંક્ય રાખવું. આનો અર્થ એ છે કે, પોતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org