________________
૧૦૫
ઉપદેશમાલા ભાગ-૧) ગાથા-૫૭-૫૮ દિક્ષા પર્યાયથી તમારાથી મોટા છે, તેઓ નમસ્કાર કરવા યોગ્ય છે, આ પ્રકારના લઘુ મુનિના ઉપદેશને સાંભળીને આરાધક ભાવને અભિમુખ થયેલા તેમનો કંઈક અલ્પ માનનો પરિણામ વંદન કરવામાં આવના કરતો હતો તે દૂર થયો, જેમ બાહુબલીને બ્રાહ્મી-સુંદરીએ ઉપદેશ આપ્યો કે તરત જ બાહુબલીજી નાના ભાઈઓને વંદન કરવા તત્પર થયા, તેમ વિવેકયુક્ત ચક્રવર્તી મુનિ પણ દીક્ષા ગ્રહણ પૂર્વે જે રીતે યતિજનને નમેલ તે રીતે ભક્તિથી નમસ્કાર કરે છે.
આ રીતે પ્રથમ ગાથાનો અર્થ કર્યા પછી તેનો ઉપનય બીજી ગાથામાં બતાવતાં કહે છે –
જે પ્રમાણે ચક્રવર્તી સાધુ સામાન્ય સાધુથી નિરૂપચાર નિષ્ફર વચન દ્વારા, કહેવાયા અર્થાત્ તે સામાન્ય સાધુએ કહ્યું કે કુળવાળા પુરુષો પૂર્વ પુરુષોને નમસ્કાર કરે છે, અકુળવાળા કરતા નથી, એ વચનથી જો ચક્રવર્તી નમસ્કાર કરવા તૈયાર ન થાય તો અકુળવાળા છે, તેમ નક્કી થાય, માટે સ્પષ્ટ કઠોર વચન છે, તોપણ ચક્રવર્તી સાધુ કુપિત થતા નથી; કેમ કે દીક્ષા ગ્રહણ કરીને આત્મકલ્યાણના અર્થી થયા છે, તેથી આ સાધુ મને અકુળવાળા કહે છે, એવો અર્થ કરીને કુપિત થતા નથી, પરંતુ પૂર્વતર સાધુને નમસ્કાર કરવો એ બહુ ગુણવાળો છે, તેમ માનીને નમસ્કાર કરે છે અથવા તે સામાન્ય સાધુનાં વચનો સહન કરવાં તે બહુ ગુણવાળું છે તેમ માનીને તે ચક્રવર્તી સાધુ કુપિત થતા નથી, પરંતુ પૂર્વના સાધુઓને નમસ્કાર કરે છે, તેમ અન્ય સાધુઓએ પણ હું ગૃહસ્થ અવસ્થામાં મોટો હતો, તેથી પૂર્વતરને ન નમું, એવો આગ્રહ છોડી દઈને દીક્ષા પર્યાયથી મોટા પણ સામાન્ય સાધુને ભક્તિથી નમસ્કાર કરવો જોઈએ.
અહીં વિશેષ એ છે કે ચક્રવર્તી ગૃહસ્થ અવસ્થામાં હોય અને ધર્માત્મા હોય ત્યારે આ સાધુઓ છે, ત્યાગી છે, તેવી બુદ્ધિથી સહજ વંદન કરે છે, આમ છતાં દીક્ષા ગ્રહણ ક્ય પછી તેઓ સાધુ છે, તેમ હું પણ સાધુ છું અને હંમેશાં લોકોથી પૂજાયેલ હોવાથી અને ચક્રવર્તીપણું ભોગવેલું હોવાથી હું વધારે શ્રેષ્ઠ છું, તે પ્રકારનો અધ્યવસાય વર્તે છે, તેથી પ્રથમ દૃષ્ટિથી નમવામાં તેને ક્ષોભ થાય છે, છતાં જે ચક્રવર્તી તત્ત્વને જોવામાં નિર્મળ દૃષ્ટિવાળા છે, ગુણને અભિમુખ છે, તેવા મહાત્માઓને વાસ્તવિકતાનો બોધ કરાવનારાં કઠોર વચનો પણ ગુણરૂપે પરિણમન પામે છે, આથી જ સામાન્ય સાધુ પણ કહે કે અકુળવાળા જ મોટાને નમસ્કાર કરતા નથી, તે સાંભળીને કુપિત થતા નથી, પરંતુ વિચારે છે કે હું ચક્રવર્તી મુનિ છું, માટે અત્યંત કુળવાન છું, તેથી મારે અવશ્ય પૂર્વના સાધુને વંદન કરવું જોઈએ, આ પ્રમાણે ચક્રવર્તી મુનિને ગુણવાન પ્રત્યેના પક્ષપાતરૂપ સંવેગ ઉત્પન્ન થાય છે, આ પ્રેરણા સુંદર છે, તેમ માનીને ગુણવાન પ્રત્યે બહુમાનથી યુક્ત વંદન કરે છે, માત્ર લોકદષ્ટિથી વંદન કરતા નથી. તેમ સુસાધુએ પણ ગુણવાન સાધુના ગુણોના સ્મરણપૂર્વક તે ગુણોની વૃદ્ધિ થાય તે રીતે નમસ્કાર કરવા જોઈએ, જેથી નિર્જરાની પ્રાપ્તિ થાય. માત્ર આ સાધુનો વ્યવહાર છે, તેમ માનીને વંદન કરે તો તેનાથી ગુણની વૃદ્ધિ થાય નહિ કે વંદન કૃત નિર્જરા પણ થાય નહિ. ગુણો પ્રત્યે વધતું જતું બહુમાન જ ગુણપ્રાપ્તિના અર્થીને નમસ્કાર કરવા પ્રેરણા કરે છે, અન્યથા તે વંદન માત્ર જ બને છે. પ૭-૫૮