________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૫૬-૧પ૭
૨૫૩
આવે તો એકાંતે કષાયોને તિરોધાન કરીને હિતને અનુકૂળ પ્રવૃત્તિ કરવા જીવ તત્પર થાય છે. આથી જ સંગમાચાર્ય શાસ્ત્રથી નિપુણ મતિવાળા હતા, તેમના અનેક શિષ્યો હતા અને પોતે ક્ષીણ થયેલા જંઘાબળવાળા હતા, તોપણ પોતાની સેવા માટે કોઈ શિષ્યને નહિ રાખતાં સર્વને અન્યત્ર વિચરવાની અનુજ્ઞા આપી અને સર્વ સુવિહિત અન્ય ગીતાર્થની નિશ્રામાં વિચરતા હતા અને પોતે એકલા રહીને ધર્મની વૃદ્ધિ કરતા હતા. વીર ભગવાન પણ વિશ્વભૂતિના ભવમાં ગીતાર્થ હતા અને ગુરુની અનુજ્ઞાથી એકાકી વિચરતા હતા. શાસ્ત્રથી પરિણત મતિવાળા હતા, તેથી તેમને આશ્રયીને એકાકીમાં પણ ધર્મની વૃદ્ધિ હોય છે. પરંતુ જેઓ ગીતાર્થ થયા નથી અથવા ગીતાર્થ હોવા છતાં ગચ્છવાસથી કલ્યાણ સાધી શકે તેવી ભૂમિકાવાળા છે, તેવા સાધુ ગચ્છના પ્રતિકૂળ સંયોગોથી વિહ્વળ થઈને સ્વચ્છંદ ગતિ-મતિના પ્રચારવાળા થાય અને એકલા વિચરે તો તેઓને ધર્મ થઈ શકે નહિ; કેમ કે અસંગ પરિણતિની નિષ્પત્તિમાં ગુણવાન ગુરુનું પાતંત્ર્ય અને સારણા-વારણાદિ સર્વ પ્રબળ કારણ છે. આથી જ ચંડરુદ્રાચાર્યના ગીતાર્થ શિષ્યો પણ ગુરુના સારણા-વારણાદિના કારણે સંયમની વૃદ્ધિ જે કરી શક્યા તે સ્વયં થઈ શકે નહિ, તેમ જાણીને કોપ પ્રકૃતિવાળા પણ ગુરુના સંગનો ત્યાગ કરતા ન હતા, તેથી જેઓ ગીતાર્થ હોય અને વિશિષ્ટ સારણાદિ વિશિષ્ટ ગુરુ પાસેથી પ્રાપ્ત થાય તેમ હોય છતાં સ્વચ્છંદ મતિથી એકાકી વિચરે તો ધર્મ થાય નહિ.
વળી એકલો સાધુ શું કૃત્ય કરી શકે ? અર્થાત્ સ્વયં શાસ્ત્રપ્રજ્ઞા ન હોય, અસહિષ્ણુ આદિ સ્વભાવ હોય, કોઈનું વેયાવચ્ચ આદિ કરવાની વૃત્તિ ન હોય તેવી ક્ષુદ્ર પ્રકૃતિવાળા સાધુ એકાકી વિચરે તો અસંગતાને અનુકૂળ શું કૃત્ય કરી શકે ? અર્થાત્ કરી શકે નહિ, પરંતુ જેઓ ગચ્છમાં રહીને ગચ્છના સર્વ આચારો અને સારણા-વારણાદિને સમ્યગુ પરિણમન પમાડીને નિર્લેપ થયા છે, એવા જ વિશિષ્ટ સાધુ સંગમાચાર્યની જેમ એકાકી રહે તો અસંગ પરિણતિને વિશેષ વિશેષતર કરી શકે છે, જ્યારે અન્ય સાધુઓ તો એકાકી રહે તો પોતાની સ્વછંદ મતિને પુષ્ટ પુષ્ટતર કરે છે. તેથી તેઓ બાહ્યથી તપની ક્રિયા કે નિર્દોષ ભિક્ષાચર્યાની ક્રિયા કે સ્વાધ્યાયાદિ કરતા હોય તોપણ તે સર્વ દ્વારા ઉચિત પ્રવૃત્તિ કરીને અસંગભાવને અનુકૂળ યત્ન કરી શકતા નથી, પરંતુ મનસ્વિતાથી પોતાનાં કલ્પિત તપ-ત્યાગાદિ કૃત્યો કરીને મિથ્યા આશ્વાસન ધારણ કરે છે, પરમાર્થથી તે કૃત્યો પણ મોહનાશને અનુકૂળ નહિ હોવાથી ધર્મકૃત્ય જ નથી, તેથી એકાકી ધર્મકૃત્ય કરી શકે નહિ.
વળી અકાર્યને કઈ રીતે પરિહાર કરી શકે ? અર્થાત્ સ્વચ્છંદ મતિ હોવાથી તેની જે પણ અકાર્યને અભિમુખ મતિ પ્રવર્તે છે, તે સ્વઇચ્છાનુસાર કરે છે, માટે સુસાધુએ સુવિહિત ગચ્છમાં વાસ કરવો જોઈએ અને તે ગચ્છની મર્યાદા દ્વારા સ્વચ્છંદ મતિનો વિરોધ કરવા પ્રયત્ન કરવો જોઈએ, જેથી સારણાદિ દ્વારા પોતાની પ્રકૃતિ ક્રમે કરીને જિનવચનથી નિયંત્રિત થાય અને તેના કારણે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવાને અનુકૂળ ચિત્ત નિર્માણ થાય. ૧પકા
અવતરણિકા :किञ्च