________________
આત્મા આવો ન્હોય” એ ચિંતવન જ કરતો હતો. એ ચિંતવન તો અખંડ હોવું જોઈએ.
મૂળ આત્મા પોતે જ સમાધિ સ્વરૂપ છે, મોક્ષ સ્વરૂપ છે, પરમાત્મા જ છે પોતે. બધી રીતે પોતે જ છે, અચિંત્ય ચિંતામણિ છે. ભગવાન જ છે પોતે. પણ સંસારમાં લોકો ચિંતવે છે કે હું ઉપાધ્યાય થયો, હવે હું આચાર્ય થઉં, પણ શુદ્ધાત્માનું ચિંતવન નથી થતું કોઈ દહાડોય.
અને ધર્મોવાળાએ “આમ કરો, આમ કરો’ એમ નવા વિકલ્પોનું ચિંતવન બેસાડી આપે છે અને જૂના વિકલ્પો કઢાવે છે. આત્માનું ચિંતવન પ્રાપ્ત કરાવે તો કલ્યાણ થાય. પણ શાનું ચિંતવન, કેવી રીતે કરવાનું તે ખબર જ નથીને ! કરવાપણાથી તો બંધન છે. કારણ કે લોકોને લક્ષમાં જ નથી કે આત્મા જેવું ચિંતવન કરે તેવો થઈ જાય.
અક્રમ વિજ્ઞાનમાં દાદાશ્રીએ જ્ઞાનવિધિમાં પોતાને શુદ્ધાત્માનું જ્ઞાન આપ્યું. હવે એ ચિંતવન એની મેળે સહજ રહે. એ સ્વરૂપના ચિંતવને પોતે પોતાના રૂપ થયા જ કરે. આત્માનો આ મુખ્ય ગુણ, જેવું ચિંતવે તેવો પોતે થયા કરે.
ગયા ભવમાં જેવું ચિંતવન કરેલું તેના ફળરૂપે આ સંસાર છે. આ દેખાય છે તેના પરથી પોતે શું ચિંતવન કર્યું તે સમજાય. પોતાના સ્વરૂપનું ચિંતવન કર્યું હોય તો પોતે તે રૂપ થઈ જાય.
જ્ઞાની એટલે પોતાના સ્વરૂપનું અને સ્વભાવનું જ ચિંતવન થયા કરે. સ્વરૂપ એટલે પોતે કોણ છે, એ અને સ્વભાવ એટલે પોતાના ગુણધર્મ, એમાં જ રહ્યા કરવું એ જ્ઞાની.
અહીં અક્રમમાં શુદ્ધાત્માનું લક્ષ બેસાડ્યું અને શુદ્ધાત્માના ગુણધર્મોનું વિવરણ કરી આપ્યું. હવે પોતાના ગુણધર્મોનું ચિંતવન કર્યા કરે તો તે રૂપ પોતે થયા કરે દહાડે દહાડે. કારણ કે ચિંતવે તેવો થાય એ એનો મુખ્ય ગુણ.
અનેક રૂપે જગતમાં થવાનું કારણ જ આ છે કે જેવું ચિંતવે તેવો થઈ જાય છે. એવો ગુણ બીજી કોઈ વસ્તુમાં નથી.
46