Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા દર્શનની જેમ તે નથી કરતું. તેવી જ રીતે તે પર્યાયો અને દ્રવ્યોનો સમન્વય કરતાં કરતાં એક સત્ તત્ત્વ સુધી પહોંચે છે અને તેની વાસ્તવિકતાનો સ્વીકાર કરીને પણ વિશ્લેષણના પરિણામ રૂપ દ્રવ્યભેદો અને પર્યાયોની વાસ્તવિકતાનો પરિત્યાગ બ્રહ્મવાદી દર્શનની જેમ નથી કરતું. તેનું કારણ એ છે કે જૈન દર્શન પર્યાયાર્થિક અને દ્રવ્યાર્થિક બન્ને દૃષ્ટિઓને સાપેક્ષ ભાવથી તુલ્યબલ અને સમાનસત્ય માને છે. આ સબબે જ તેમાં ન તો બૌદ્ધ પરંપરા જેવું આત્યન્તિક વિશ્લેષણ થયું કે ન તો વેદાન્ત પરંપરા જેવો આત્યન્તિક સમન્વય. આનાથી જૈન દૃષ્ટિનું વાસ્તવવાદિત્વ સ્વરૂપ સ્થિર જ રહ્યું, અપરિવર્તિષ્ણુ જ રહ્યું.
ન
૩. પ્રમાણશક્તિની મર્યાદા
વિશ્વ શી વસ્તુ છે, તે કેવું છે, તેમાં કયાં કયાં અને કેવાં કેવાં તત્ત્વો છે, વગેરે પ્રશ્નોના ઉત્તરો તત્ત્વચિન્તકોએ એકસરખા નથી આપ્યા. તેનું કારણ એ જ છે કે તે ઉત્તરોનો આધાર પ્રમાણની શક્તિ ઉપર નિર્ભર છે; અને તત્ત્વચિન્તકોમાં પ્રમાણની શક્તિ વિશે જુદા જુદા મતો છે. ભારતીય તત્ત્વચિન્તકોના પ્રમાણશક્તિના તારતમ્ય અંગે જે મતભેદો છે તે સંક્ષેપમાં પાંચ પક્ષોમાં વિભક્ત થઈ જાય છે – (૧) ઈન્દ્રિયાધિપત્ય, (૨) અનિન્દ્રિયાધિપત્ય, (૩) ઉભયાધિપત્ય, (૪) આગમાધિપત્ય અને (૫) પ્રમાણોપપ્લવ એવા પાંચ પક્ષો છે.
-
(૧) ઈન્દ્રિયાધિપત્ય પક્ષ – જે પક્ષનું મન્તવ્ય એ છે કે પ્રમાણની બધી જ શક્તિ ઈન્દ્રિયોના ઉપર જ અવલંબિત છે, મન ખુદ ઈન્દ્રિયોનું અનુગમન કરી શકે છે પરંતુ તે ઈન્દ્રિયોની મદદ વિના ક્યાંય પણ, અર્થાત્ જયાં ઈન્દ્રિયોની પહોંચ ન હોય ત્યાં, કદી પ્રવૃત્ત થઈને સાચું જ્ઞાન પેદા કરી શકતું જ નથી. સાચા જ્ઞાનનો જો સંભવ છે તો તે ઈન્દ્રિયો દ્વારા જ, આ છે ઈન્દ્રિયાધિપત્ય પક્ષ. આ પક્ષમાં એકલું ચાર્વાક દર્શન જ સમાવિષ્ટ છે. એ વાત નથી કે ચાર્વાક અનુમાન યા શબ્દવ્યવહારરૂપ આગમ વગેરે પ્રમાણોને, જે પ્રતિદિન સર્વસિદ્ધ વ્યવહારની વસ્તુ છે તેને, ન માનતું હોય, તેમ છતાં ચાર્વાક પોતાને પ્રત્યક્ષમાત્રવાદી – ઈન્દ્રિયપ્રત્યક્ષમાત્રવાદી કહે છે; તેનો અર્થ એટલો જ છે કે અનુમાન, શબ્દ વગેરે કોઈ પણ લૌકિક પ્રમાણ કેમ ન હોય પરંતુ તેનું પ્રામાણ્ય ઈન્દ્રિયપ્રત્યક્ષના સંવાદ વિના કદી સંભવતું નથી. અર્થાત્ ઈન્દ્રિયપ્રત્યક્ષથી બાધિત ન હોય એવો કોઈ પણ જ્ઞાનવ્યાપાર જો પ્રમાણ કહેવાય તો તેમાં ચાર્વાકને કોઈ આપત્તિ નથી.
(૨) અનિન્દ્રિયાધિપત્ય પક્ષ – અનિન્દ્રિયના અન્તઃકરણ (મન), ચિત્ત અને આત્મા એવા ત્રણ અર્થો ફલિત થાય છે. તે ત્રણમાંથી ચિત્તરૂપ અનિન્દ્રિયનું આધિપત્ય માનનારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org