Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
અને પ્રભાતની સ્મૃતિ એ સર્વ સર્વદા ફળદાયી હોય છે. આવા રામા જેવા નરમણિ અને ઉત્તમ સ્વામીને પામનારી મારી પુત્રી નંદાના પણ જનકનંદના સીતા જેવાં ધન્યભાગ્ય સમજવાં. વળી અમારા જેવા સંબંધીઓ પણ ભાગ્યશાળી ઠર્યા કે પુત્રીને આવો પતિ મળ્યો; કારણ કે રૂપ અને શીલ ગુણોએ યુક્ત જમાઈ મળવો ખરેખર દુર્લભ છે. પુત્રીને અર્થે સ્વામીની શોધમાં ઘેરઘેર ભમતા પિતાને, રાત્રીને સમયે શેઠીઆઓના ચરણનું મર્દન કરતા વણિકપુત્રની જેમ, બહુ દુ:ખ સહન કરવું પડે છે. પાત્રને વિષે સદ્ગુરુની વિદ્યાની જેમ, કોઈ ઘણા ભાગ્યશાળીની જ કન્યા ઉત્તમ ગુણયુક્ત સ્વામીને વિષે પ્રતિષ્ઠિત થાય છે.
- આવો વિચાર કરીને તે ઉદાર આશયવાળો શેઠ કુમારને પૂછવા લાગ્યો (કારણ કે કૃપણતાના ગુણવાળાઓને આવી સ્તુતિ કરવી બહુ ગમે છે)-જેવી રીતે દેવતાઓને જ સેવ્ય એવું પારિજાત ઋક્મિણીને પ્રાપ્ત થયું હતું તેવી રીતે તું કયા ભાગ્યશાળીને ત્યાં અતિથિ થયો છે ? કુમારે કહ્યું- હે તાત ! લક્ષ્મીવંત પિતાનો પુત્ર પિતાના ઘર સિવાય બીજે ક્યાંય જાય ખરો ?
કુમારનાં આવાં વચન સાંભળીને, અશોકવૃક્ષપર જેમ પુષ્પો ઊગી નીકળે તે પ્રમાણે, શેઠને શરીરે હર્ષનાં રોમાંચ ખડાં થયાં. એણે કહ્યુંમારાં મહદ્ભાગ્ય ! મેં પૂર્વે પુણ્ય કર્યા હશે ! કે તમે મારા અતિથિ થયા કારણ કે પુણ્યરહિત પ્રાણીઓને કૃષ્ણ ચિત્રાવેલની પ્રાપ્તિ હોય જ નહીં. જો તમે મારે ઘેર પધારશો તો હું સમજીશ જે હું પૂરો પુણ્યશાળી છું કારણ કે પુણ્યનો ઉદય થાય છે ત્યારે જ ગુરુ લગ્નને પૂર્ણ દૃષ્ટિથી જુએ છે. તમે મારે ત્યાં પગલાં કરશો તો હું પવિત્ર થઈશ, કારણ કે સરસ્વતી નદી પોતાના નીરથી સર્વ પાપપ્રદેશને પવિત્ર કરે છે.
૧. કાળી ચિત્રાવેલી નામની વેલ (વલ્લી) આવતી કહેવાય છે તેના ઉપર જો કોઈ ખાલી વાસણ આદિ મુકવામાં આવે તો તે વાસણ જે પદાર્થનું હોય તે પદાર્થ તેમાં ભરાઈ જાય છે એમ કવિ લોકો કહે છે. ૨. ગુરુ (૧) બૃહસ્પતિ (૨) મોટો પુરુષ. ૩. લગ્ન (૧) (જ્યોતિષમાં) લગ્નકુંડલી (૨) સંસર્ગમાં આવેલા.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૮