Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
અર્થાત્ કામ શલ્ય જેવો છે, કામ વિષસમાન છે અને કામ સર્પની ઉપમાને યોગ્ય છે; વળી કામની પ્રાર્થના કરનારાઓ પોતાનાં કામ (મનવાંછિત કાર્યો) પૂર્ણ કર્યા વિના દુર્ગતિમાં જાય છે. એ શલ્યાદિ ત્રણ વાનાં તો આ જન્મને વિષે જ પીડા કરે છે પરંતુ આ કામ તો પાપકર્મોની પેઠે ભવોભવ દુઃખદાયક થાય છે. પ્રવ્રજ્યા અંગીકાર કરીને, જે કામભોગને ઘરના કચરાની પેઠે ત્યજી દીધા છે તેવા ભોગવિલાસને હું હવે કેવી રીતે ભોગવું ? કારણ કે કોઈ માણસ વમન કરેલું પાછું ખાતો નથી માટે તમે મારી આગળ અશુભ સ્વપ્નની જેમ કામભોગની વાત પણ કરવી રહેવા ધો.
એ સાંભળીને રાજા પ્રમુખ સૌ કહેવા લાગ્યા...હે મુનિવર ! એ સર્વ સત્ય છે; પણ અમારે જે કંઈ કહેવાનું છે તે, હે મુનિ ! તમે સાંભળો. બહુ બહુ વર્ષો થયાં, આને પરણવા લાયક વયે પહોંચ્યાં છતાં પણ સ્વપ્નને વિષે પણ આપના સિવાય અન્ય વરને ઈચ્છક્યો નથી, માટે હે વિચક્ષણ મુનિ ! એનો મનોરથ પૂર્ણ કરો; અન્યથા સ્ત્રીહઠને લીધે કદાચિત પ્રાણ ત્યાગ કરશે, એમ ન થવા ધો. હે સાધુ ! ભોગવિલાસ ભોગવી લઈ પુનઃ પણ દીક્ષા આચરજો; કારણ કે એમ કરવાથી પાછળથી પણ શુદ્ધ થવાય છે.” એ સાંભળી મુનિએ દેવતાનું દીક્ષા પ્રતિષેધક વચન યાદ આવવાથી તથા શ્રીમતીના બધુ અને રાજા આદિની પ્રાર્થનાથી, પોતાને અરૂચિકર એવું પણ એ લોકોનું કહેવું માન્ય કર્યું. કારણ કે પાંચ માણસો ભેગા થઈને એકલો હોય એને ગાંડો કરી મૂકે છે. ચારિત્રનો ત્યાગ કરીને એણે શ્રેષ્ઠીપુત્રીનું પાણિગ્રહણ કર્યું; અથવા તો કર્મને અન્યથા કરવાને કોઈ સમર્થ નથી.
પછી આર્દ્રકુમારે શ્રીમતીની સંગાથે રહીને ગૃહસ્થાશ્રમ પાળવા માંડ્યો; અહો ! પ્રાણીને એકજ ભવને વિષે અનેક અવસ્થાઓ થાય છે. પ્રીતિપૂર્વક વિવિધ પ્રકારના ભોગવિલાસ અનુભવતા એ દંપતીને એક કુલદીપક સમાન પુત્ર થયો; એણે વખત ગયે ધાવણ મૂક્યું; અને એની જીભ પણ કોઈ વૃક્ષનાં એવાં મૂળીઆંથી અત્યંત મર્દન થઈ હોય નહીં એમ અનુક્રમે સારી રીતે છુટી પડવા લાગી. પુત્ર યોગ્ય વયે પહોંચ્યો
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૧૩