Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
શ્રી વીરપરમાત્માએ દર્દુરાંક દેવનાં આચરિત વિષે ખુલાસો કરતાં શ્રેણિક રાજાની નરકગતિ થવાની કહી એ સાંભળીને એને કંપારી
છુટી : અથવા તો નરકની વાત સાંભળતાં જ ભય ઉત્પન્ન થાય છે, તો એ દુ:ખ ભોગવવા પડવાનું સાંભળીને થાય એમાં શું આશ્ચર્ય ? શ્રેણિકરાજાએ પૂછ્યું-હે જગન્નાથ ! આપ જેવા મારા સ્વામી છતાં મારે નરકગતિ કેમ ? કલ્પદ્રુમ છતાં દારિદ્રય હોય નહીં. પ્રભુએ ઉત્તર આપ્યો-હે મહીપતિ ! તેં નરકને વિષે જ આયુર્ગંધ કર્યો છે; માટે તારે ત્યાં જ જવું પડશે; એ વિષયે અન્યથા સમજવું જ નહીં. હે રાજન્ ! નિકાચિત કર્મ જે છે તેને અન્યથા કરવાને દેવ, દાનવ, ચક્રવર્તી કે અમે પોતે પણ સમર્થ નથી. જેમ મુનિની પાસે મહાબાહુ રાજા કે રંકને વિષે જરાએ અંતર નથી તેમ એ કર્મની પાસે પણ નથી. હે નરપતિ ! તું ભવિષ્યમાં થનારા ચોવીશ જિનેશ્વરમાં પ્રથમ પદ્મનાભ નામે જિનેશ્વર થવાનો છું માટે વૃથા ખેદ કરવો રહેવા દે. પણ શ્રેણિક ભૂપતિએ પુનઃ વિજ્ઞાપના કરી કે-હે ભગવંત ! જેમ દુઃસાધ્ય એવા પણ સન્નિપાતને વિષે ઉત્તમ વૈદ્ય બુદ્ધિથી વિચાર કરીને ઔષધ આપે છે તેમ નિર્મળ કેવળજ્ઞાનરૂપી લોચનવાળા આપ પણ મને દુર્ગતિથી છુટાવનારો કોઈ ઉપાય બતાવો. એ સાંભળીને તીર્થંકર મહારાજા પણ સમાધાનને માટે બોલ્યા-જો કપિલા બ્રાહ્મણી પાસે તું સાધુઓને દાન દેવરાવ અને કાલશૌકરિકને (પ્રાણીઓનો) વધ કરતો અટકાવ તો તારો નરકવાસ મટે. પણ અમને તો નિશ્ચય છે કે “સોમનાથ મરવાનો યે નથી; અને આચાર્ય એને કાષ્ટની ચિતા પર બેસાડવાના યે નથી.”
જિનેશ્વર ભગવાને કહેલી આ વાક્યાવલીને સંજીવિની સમાન સમજી એમને પ્રણામ કરીને મગધેશ્વર શ્રેણિકરાજા પોતાના નગર ભણી પાછો વળ્યો. એ વખતે એજ દર્દુરાંક દેવે એની પરીક્ષા કરવાને એને માયા વડે, જાળ નાંખી મત્સ્ય પકડતો એક મુનિ દેખાડ્યો. એ મુનિને જોઈ એને બોલાવીને રાજાએ પૂછ્યું-આ શું આદર્યું ? મુનિએ ઉત્તર આપ્યો-આ મત્સ્યો વેચીને મારે એક ઉત્તમ કાંબળી લેવી છે. એ કાંબળી
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૪૫