Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
પીએ છે; અથવા તો “અમૃત” તો ફક્ત વાર્તામાં જ છે; આ જળ છે તેજ અમૃત છે. આમ વિચારતો એ તૃષાતુર છતાં પણ દ્વારપાળના ભયથી કોઈ જળાશયે જળ પીવા ગયો નહીં. અહો ! સેવકનું જીવતર ખરે કષ્ટદાયક છે. તૃષાથી પીડાતો ગરીબ બિચારો જળ, જળ એમ બૂમ પાડવા લાગ્યો; મંદબુદ્ધિ શિષ્ય શ્લોકાદિ ગોખવા મંડી જાય તેમ. તૃષાને દુઃખે મૃત્યુ પામીને એ નગરની બહારની વાવમાં એક દેડકો (ઉત્પન્ન) થયો; કારણ કે જે લેગ્યામાં જન્તુ મૃત્યુ પામે છે એજ વેશ્યામાં એ ઉત્પન્ન થાય છે.
“હે રાજન ! (વીરપ્રભુ શ્રેણિક મહિપતિને સંબોધીને કહે છે) અમે પાછા ફરતા ફરતા તારા જ નગરને વિષે આવ્યા, જાણે એ દેડકાના કોઈ મહભાગ્યથી આકર્ષાઈને જ હોય નહીં એમ. તે વખતે સર્વ લોકો અમને વંદન કરવાને આવતા હતા ત્યારે વાવમાંથી પાણી ભરવા આવેલી પનહારીઓમાં આવા પ્રકારનો સંલાપ થયો-એક બોલી, અરે બહેન ! આજે શું કોઈ મહાન ઉત્સવ છે કે જેને લીધે સર્વ લોકો એક સાથે હર્ષમાં જતા જણાય છે ? ત્યારે બીજી આક્ષેપ સહિત કહેવા લાગી અરે તું તો કોઈ ગર્ભશ્રીમંતની પુત્રી છો અથવા તો કેવળ મૂર્ખ છો કે એટલું જાણતી નથી ? સુરેન્દ્રો પણ સેવક જનની પેઠે જેમના ચરણને વિષે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે એવા શ્રીમાન મહાવીર ઉદ્યાનને વિષે પધાર્યા છે. એવા એ મહાવીર જિનને તું નથી જાણતી તો એમજ સમજને કે તું કાંઈ પણ નથી જાણતી; કારણ કે મહા તેજસ્વી સૂર્યમંડળનો ઉદય થાય છે ત્યારે મંદ નેત્રવાળાને પણ એની ખબર પડે છે. પનહારીઓના આવા સંલાપ સાંભળીને જેને કંઈ સંજ્ઞા થઈ એવો એ દેડકો વિચારવા લાગ્યો-મેં પૂર્વે કયાંય નિશ્ચયે “મહાવીર' એવો શબ્દ સાંભળ્યો છે. ઉહાપોહ કરતાં એને પોતાનો પૂર્વભવ સ્મરણમાં આવ્યો તે જાણે એને ભવિષ્યમાં થનારા પ્રતિબોધની વાતને નિવેદન કરવાનું હોય નહીં ! દ્વારપાળ મને દરવાજો સોંપીને તે વખતે જેમને વંદન કરવા ગયો હતો તે જ આ મહાવીર પધાર્યા છે. માટે આ લોકો એ જિનેશ્વરને વંદન કરવાને જાય છે એમ હું પણ જાઉં, કારણ કે તીર્થ તો સૌનું છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૪૩