Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
હું શરીર પર ઓઢીને વર્ષાકાળને વિષે અપકાય જીવોની રક્ષા કરીશ. કારણ કે દયા એજ ધર્મનું મૂળ છે. રાજાએ વિચાર્યું-આ મુનિ મુગ્ધ બુદ્ધિવાળા એટલે મૂર્ખ જણાય છે કે એકેન્દ્રિયની રક્ષાને અર્થે પંચેન્દ્રિયનો વિનાશ કરે છે. અન્ય પાપનો ભય રાખે છે અને પડે છે તો તે બહુ બહુ પાપમાં; હવાડાથી બીએ છે, ને પડે છે કુવામાં; પછી એ મુનિને રાજાએ કંબળ અપાવીકારણ કે શાસનની હીલના થતી અટકાવવાને કુપાત્રને પણ (દાન) દેવું કહ્યું છે.
આગળ ચાલતાં રાજાને દેવતાએ (માયા વડે) એક ગર્ભવતી સાધ્વી દેખાડી કે જે દુકાને દુકાને કંઈ દ્રવ્ય માગતી હતી. આવી સ્થિતિમાં સાધ્વીને જોઈને રાજાને અત્યંત ખેદ થયો; કારણ કે આવું અયોગ્ય જોઈને કયો શ્રાવક ન દુહવાય ? આ બીજી શાસનની હીલણા ઉત્પન્ન થઈ એ-ખેતીમાં જળના દુષ્કાળને શમાવે ત્યાં તેમાં તીડ આવવા જેવું થયું. આવી સાધ્વીઓ ભાગવતી દીક્ષા ગ્રહણ કરીને પણ એને કેમ વૃથા ગુમાવે છે એમ ચિન્તવીને રાજાએ એ સાધ્વીને બોલાવીને કહ્યુંએક અકાર્ય કરીને પુનઃ પાછું એને શા માટે ખુલ્લું બતાવવું પડે છે? માંસ ખાઈને પાછાં અસ્થિ કોઈ ગળે બાંધે ખરાં ? તારું સર્વ કાર્ય હું નીવેડી આપીશ એમ કહીને રાજાએ સાધ્વીને ગુપ્ત પ્રચ્છન્નપણે રાખી; કારણકે પોતાની જાંગ ઉઘાડતાં માણસ પોતે જ લજવાય છે. પ્રસવકાળ નજીક આવ્યે સર્વ કળાના જાણ એવા નૃપતિએ પોતે એનું સૂતિકર્મ કર્યું કારણ કે એ સમય એવો હતો. એની એવી દુર્ગધ છૂટી કે નાસિકા ફાટી જાય; તોપણ શાસનના રક્ષક એવા રાજાને એના તરફ અભાવ ન થયો. વળી પ્રસવ થતાં જ બાળકે દેવતાની માયા વડે એટલું ગાઢ રૂદન કરવા માંડ્યું કે ત્રણ ત્રણ શેરી સુધી તે સંભળાવા લાગ્યું. એ જોઈને શ્રાવકશિરોમણિ નરપતિ અત્યંત દુઃખી થયો. એ કહેવા લાગ્યો-ઉપાય ચાલ્યો ત્યાંસુધી તો અત્યાર સુધીનું સર્વ મેં ગુપ્ત રાખ્યું; પણ હવે કાંઈ બુદ્ધિ સુઝતી નથી તો આ કેમ કરીને હવે ગુપ્ત રહેશે? અથવા તો આકાશ ફાટ્યું તે કોનાથી સાંધી શકાય ?
૨૪૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)