Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કરી શકતાં ત્યારે તેમને બિલકુલ ચેન પડતું નહીં. એઓ પ્રીતિપૂર્વક પરસ્પર કહેતાં કે-પૂજ્ય તાતે આપણને સુખી કર્યા છે તથા આપણને તાર્યા છે. એજ આપણને ઉત્તમભોજન, વસ્ત્ર અને આભૂષણો આપે છે અને આપણી પાસે ધર્મકાર્ય કરાવે છે. કલ્પદ્રુમથી અધિક એવા પૂજ્ય તાતની કૃપાથી આપણને તો અહીં સંસારને સ્વર્ગ બને છે, પછી અનુક્રમે જિનદત્તને નિશ્ચય થયો કે મારું કુટુંબ હવે ધર્મને વિષે નિશ્ચળ છે ત્યારે એણે એમને શેષ ત્રણ વિધાન ઉઘાડીને બતાવ્યા. પછી શેઠ પ્રમુખ સર્વે પોતાનું ધન સાતક્ષેત્રને વિષે વાપરીને પોતપોતાને સમયે ઉત્તમ દેવલોકની (સંપત્તિ)ને પામતા હતા. ત્યાંથી કેટલાએક ભવ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી એકાન્તસુખે કરીને વ્યાપ્ત એવી શાશ્વતી સિદ્ધિને પામશે.
(શ્રી વીરપ્રભુ કહે છે) આવું ધર્મનું માહાત્મય છે તે સાંભળીને તમે એ ધર્મને વિષે આદરસહિત પ્રયત્ન કરતા રહો કે જેથી તમને પણ અચળ એવી સુખસખ્તતિનો લાભ થાય.
આ પ્રમાણે મધુરવાણી વડે ઉપદેશ આપતા હતા એવામાં એ પાંચ વર્ણના મણિઓએ યુક્ત અને દેવતા તથા મનુષ્યોથી પૂર્ણ એવી સમવસરણની ભૂમિને વિષે, એક કોઢીઆએ પ્રવેશ કર્યો; દેવમંદિરને વિષે એક કાગડો પ્રવેશ કરે તેમ. એણે, ચિત્રનક્ષત્ર જેમ જળ વડે ધાન્યોને સિંચે છે તેમ, નિશંકપણે પોતાના શરીર પરના પરૂઆદિનું પ્રભુના ચરણ પર સિંચન કર્યું. એ જોઈને મગધપતિ-શ્રેણિક રાજા એ કોઢીઆ પર બહુ કોપાયમાન થયા; કારણ કે જિનેશ્વર આદિની આશાતના કરનારાઓ પર વિદ્વાન્ પુરુષ કોપ કરે છે એ યોગ્ય જ છે. “આ પાપી છે, અમર્યાદ છે, નિર્લજ્જ છે અને એને કોઈનો ભય પણ નથી કારણ કે ઈન્દ્રાદિ જોઈ રહેતા છતાં એ પ્રભુને એમ કરે છે. જો આ ઈન્દ્ર વગેરે કોઈ હેતુને લઈને આ પાપીને શિક્ષા ન કરે તો ભલે ન કરે; એ રહ્યા. હું જ એને યોગ્ય ફુટ ઔષધ આપીશ. એના જેવાને શરીરનિગ્રહ (માર) સિવાય બીજી અન્ય શિક્ષા ન જોઈએ. પ્રભુનો આમ પરાભવ થાય છે તે જોઈને જેને કંઈપણ લાગતું નથી એવા નીચશિરોમણિજનો જન્મતા ન હોય તો જ સારું.”
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૩૩