Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
દક્ષિણાના લોભથી એ બ્રાહ્મણ તો જમેલું પુનઃ પુનઃ વમન કરવા લાગ્યો અને પાછું જમવા લાગ્યો; કારણ કે બ્રાહ્મણોને કિંચિત્ પણ યોગ્ય લોભ નથી હોતો. દક્ષિણામાં ઘણું દ્રવ્ય મળ્યું એથી એને બહુ જ સારું થયું અને તરૂવરમાંથી શાખા નીકળવા માંડે એમ એનું કુટુંબ વિસ્તાર પામવા લાગ્યું. પણ અજીર્ણ આહાર અને વમનને લીધે કાચોરસ ઉપર ને ઉપર રહેવાથી એને ત્વચામાં વિકાર થયો કારણ કે જેવી ક્રિયા હોય છે, તેવું જ ફળ પ્રાપ્ત થાય છે. પ્રતિકાર નહિ કરવાથી એનો વ્યાધિ વધ્યો. વૈર, વ્યાધિ, ઋણ અને અગ્નિ-એ ચારે વાનાં સરખાં છે. એની નાસિકા આગળથી બેસી ગઈ, એના હસ્ત અને ચરણ ફાટી ગયા અને એનો સ્વર તૂટી ગયો, તો પણ અગાઉની પેઠે એ તૃપ્તિ ન પામતાં, રાજાની સાથે જમ જમ કરવા લાગ્યો કારણ કે એવા ભૂખાળ લોકો પોતાની પાંચ પાંચ ઈન્દ્રિયોથી પણ શરમાતા નથી.
એ જોઈ મંત્રીઓએ તો રાજાને કહ્યું-આ કુષ્ટરોગ છે તે ચેપી રોગ છે; માટે ભોજન વગેરેમાં એની સાથે સંબંધ રાખવો એ યુક્ત નથી; એવું હેત શા કામનું કે જેથી પોતાનો વિનાશ થાય ? માટે હે સ્વામી ! આના નિરોગી પુત્રો છે એમનામાંના કોઈને એને સ્થાને રાખો, આદેશીને સ્થાને આદેશ રાખવામાં (મૂકવામાં) આવે છે તેવી રીતે. મહિપતિએ એ વાતની હા કહી એટલે મંત્રીઓએ વિપ્રને કહેવરાવ્યું કે-હવે તારે રાજમહેલમાં પોતે ન આવતાં તારા પુત્રોને મોકલવા. તું ઘરમાં જ સારો છે. એ સાંભળી અત્યંત ખિન્ન થયેલો એવો બ્રાહ્મણ પછી પોતાના પુત્રને રાજમંદિરમાં મોકલવા લાગ્યો. વ્યાધિએ તો અતિ ઉગ્રરૂપ ધારણ કર્યું એટલે વળી પુત્રોએ પિતાને ઘરની બહાર એક કુટીર (ઝુંપડી) કરાવીને એમાં રાખ્યો. ત્યાં એ એકલો કેવી રીતે રહી શકશે એમ વિચારીને જ હોય નહીં એમ એની આસપાસ પુષ્કળ માખીઓ બણબણવા લાગી. એક જૂના પુરાણા ખાટલામાં પડ્યો પડ્યો તે બબડતો તેને કોઈ ઉત્તર પણ આપતું નહીં; તો કહ્યું કરવાની તો વાત જ શી ? એના પુત્રો એની આજ્ઞા ન પાળતા એટલું જ નહીં પણ એની સામા ઉત્કંઠ વચન પણ કહેવા લાગ્યા.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૩૮