Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
જે એનાં કરતાં બહુ સહેલાં છે તે અમે જરૂર કરશું” એમ સર્વે પુત્રોએ સાથે કહ્યું. શેઠની પુત્રવધુઓએ પણ કહ્યું કે-પારકાં ઘરનાં કામકાજ કરતાં ધર્મનાં કામ સુખે કરી શકાય એવાં છે માટે અમે પણ હવેથી તે અવશ્ય કરશું. છેવટે શેઠના પૌત્રોએ પણ એ પ્રમાણે કરવાનું કહ્યું. એટલે શેઠે પુત્ર-વધુ-અને પૌત્રો સર્વ પાસે એક કાગળ પર એ એમના હસ્તાક્ષરે લખાવી લીધું.
પછી એમણે બલિદાન પૂર્વક ભૂમિનું પૂજન કરીને પુત્રો પાસે એક ખુણે ખોદાવ્યું, તો એક મોટો કળશ તેમના જોવામાં આવ્યો; એટલે એમણે વિચાર્યું-અહો ? આજે ચિરકાળે પૂજ્યપિતાશ્રીને ક્યાંથી આ નિધાન યાદ આવ્યો ? પછી એ ઉઘાડીને જોયું તો એમાં એમણે સુવર્ણપધરાગાદિમણિ તથા માણિક્યનો સમૂહ દીઠો. પિતાની આજ્ઞાથી, એમાંનું થોડું સુવર્ણ વેચીને પુત્રોએ, વસ્ત્ર, સ્થાળ-કચોળાં પ્રમુખ વાસણો, તથા શાળ આદિ આણ્યાં અને તત્ક્ષણ વધુઓએ ઉત્તમ રસોઈ બનાવી એટલે જિનદત્ત વગેરે સૌએ ભોજન કર્યું; (અહો આ ભોજન જ એક વસ્તુ છે જે સર્વત્ર જય પામે છે.) ભોજન કરી રહ્યા પછી શ્રેષ્ઠી ભેટયું લઈ સારાં વસ્ત્રો પહેરી રાજમંદિરે ગયો. ત્યાં રાજાને ભેટ ધરી, નમન કરી શેઠ અને એના પુત્રો અતિ ગૌરવ સહિત આપવામાં આવેલા આસનો પર બેઠા.
એટલે રાજા મહીસેન પોતે ગૌરવ સહિત બોલ્યો-અહો શેઠ ! આજે તો ઘણે દિવસે આવ્યા ? જ્યારે જ્યારે મહાજન અમારી આગળ આવતું ત્યારે ત્યારે મને વિચાર થતો કે આ મહાજનમાં જિનદત્ત શેઠ કેમ ક્યાંય પણ દેખાતા નથી ? શેઠે કહ્યું-અહીં અમારે કમાણી નહોતી એથી આપના ચરણકમળ થકી દૂર ગયા હતા. વળી પાછા ભાગ્યના ઉદયે કરીને માણસાઈમાં આવ્યા એટલે આપ મહારાજાનું સ્મરણ કરતા સૌ અહીં આવ્યા છીએ. એ સાંભળી રાજાએ ખુશી થઈને પોતાને હાથે શેઠને અને એના પુત્રોને મયૂરછત્ર અને સુવર્ણની સાંકળી આપ્યાં. ત્યાંથી અર્થીજનોને દાન આપતા આપતા લોકો તરફથી પ્રશંસા મેળવતા શેઠ ઘેર આવ્યા. એના સ્વજન સંબંધીઓ કહેવા લાગ્યા-અહો ! શેઠે દૂર અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૩૧