Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
વૃતિ કરતા કરતા ઘટ્ટકુટીપ્રભાતન્યાયે શ્રીમતીને જ ઘેર આવી ચઢ્યા. એટલે નાનાપ્રકારના પણ ગોસમૂહને વિષે ગોવાળણી જેમ વૃષભને ઓળખી કાઢે તેમ શ્રીમતીએ પણ એમને ચિન્હ જોઈને ઓળખી કાઢ્યા. તે પરથી તેમને પ્રેમપૂર્વક કહ્યું-હે પ્રાણનાથ ! જેમને મેં બાળપણને વિષે દેવમંદિરમાં ક્રીડા કરતાં કરતાં સ્વેચ્છાએ વર્યા હતા એવા-આપ હરિણી સમાન મારા જેવી મુગ્ધાને ત્યજી દઈને કોઈ દેશાન્તરે જતા રહ્યા હતા; કારણ કે બાળકને છેતરવું બહુ સહેલું છે. પણ હવે તો હું મૂકીશ ત્યારે જ તમે જવા પામશો; કારણ કે એક વાર છેતરાયો એ પુન: સાવધાન રહે છે.
હે ચન્દ્રબંધુ-સ્વામીનાથ ! જ્યારથી આપને મેં જોયા નથી ત્યારથી કુમુદિનીની પેઠે હું દુ:ખે કાળ નિર્ગમન કરું છું. માટે હે મહાકરૂણાસાગર ! હવે આપ કૃપા કરીને મારી સાથે લગ્ન કરો; કારણ કે સત્પુરુષો નિરંતર દુઃખીજનો તરફ વત્સલભાવ રાખે છે. જો કદિ વ્રતને વિષે આગ્રહ કરીને, મને નહીં પરણો તો હું તમને નિશ્ચયે સ્ત્રીહત્યા દઈશ. શ્રીમતી આ પ્રમાણે બોલતી હતી એટલામાં તો ત્યાં બહુ માણસો એકઠાં થઈ ગયાં; તથા આલેખાઈ ગયું છે મન જેનું એવો રાજા પણ આવી પહોંચ્યો. નૃપતિ પ્રમુખ સર્વ લોકો કહેવા લાગ્યા-હે સાધુ ! આ બાળાની પ્રાર્થના સફલ કરો; કારણ કે સાધુ અને કલ્પતરૂ બંનેને સમાન જ ગણ્યાં છે. સાધુએ ઉત્તર આપ્યો-હે અંગના ! રોગી જેમ અપથ્યને વિષે તેમ તમે મારે વિષે પ્રેમ દર્શાવો છો એ ખોટું છે. કારણ કે;
शल्यं कामा विषं कामाः कामा आशीविषोपमा । कामांश्च प्रार्थयमाना अकामा यान्ति दुर्गतिम् ॥
૧. ઘટ્ટ=કર; કુટી=સ્થાન; ઘટ્ટકુટી=કર લેવાનું સ્ટેશન. કર લેવાના સ્ટેશન આગળ જ પ્રભાત થવું એ ન્યાયને ઘટ્ટકૂટીપ્રભાત ન્યાય કહે છે. (કર ન આપવો પડે માટે કોઈ, (દૃષ્ટાંત તરીકે ગાડીવાળો) રાત્રિને સમયે આડે અવળે રસ્તે થઈને ગાડું હાંકે પણ સવાર પડ્યે તો જ્યાં આવવું જ નહોતું એ સ્ટેશન આગળ જ અજાણપણે આવી ચઢ્યો જુએ છે; અને કર આપવો પડે છે.
૨૧૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)