Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
એકદા શ્રી વીરજિનેશ્વર કેવળજ્ઞાનરૂપી દીપકથી ત્રણ જગતને વિષે ઉધોતા કરતા પુનઃ રાજગૃહનગરે આવી સમવસર્યા. ત્યાં દેવતાઓએ સમવસરણ રચ્યું તેને વિષે રહીને દેવમનુષ્યની પર્ષદાને આ પ્રમાણે ધર્મનો ઉપદેશ આપવા માંડ્યો-“ચુલા' વગેરે દશ દષ્ટાંતોએ કરીને દુર્લભ એવો મનુષ્યભવ પ્રાપ્ત કરીને વિદ્વજ્જનોએ ધર્મને વિષે ઉદ્યમ કરવો. શ્રેષ્ઠ ઔષધિવડે વ્યાધિ નાશ પામે છે તેમ, ધર્મથી વિપત્તિ નાશ પામે છે, અને ચિંતામણિથી જ જેમ, તેમ, સર્વ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. કદિ ધર્મ કરતાં છતાં પણ ગ્રીષ્મઋતુમાં સરોવરનાં નીરની જેમ, લાભાન્તરાયા (કર્મ)ને લીધે, વૈભવ ક્ષીણ થાય, તો પણ એ ધર્મના મહાન પ્રભાવવડે, પ્રાણીને પ્રાયઃ આ લોકને વિષે જિનદત્તની પેઠે ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થાય છે. એ જિનદત્તનું વૃત્તાન્ત આ પ્રમાણે છે :
વિચિત્ર પ્રકારના ચિત્રોએ કરીને યુકત, ન્યાયતંતજનોથી વસાયેલું વસંતપુર નામનું એક સુંદર નગર હતું. ત્યાં ચુનાથી ધોળેલા હજારો મહેલ હતા; તે જાણે નગરની શોભા નિરખવાને શેષ નાગના મસ્તકો બહાર આવ્યાં હોય નહીં ! આ નગરમાં શત્રુઓરૂપી કુમુદના સમૂહને સંકોચાવવામાં સૂર્યસમાન જિતશત્રુ નામનો નામ પ્રમાણે ગુણવાળો રાજા રાજ્ય કરતો હતો. તેના વસ્તૃત્વ ગુણને લીધે બૃહસ્પતિએ (શરમાઈ જઈને) સ્વર્ગનો અને એના ઉદાર સ્વભાવને લીધે બલિરાજાએ પાતાળનો આશ્રય લીધો હોય નહીં ! ત્યાં સાધુઓની ઉપાસના કરનારાઓમાં અગ્રેસર અને ધાર્મિક પુરુષોમાં મુખ્ય એવો જિનદત્ત નામનો એક શ્રેષ્ઠી રહેતો હતો. એ પોતાના નામ પ્રમાણે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વોનું જ્ઞાન ધરાવતો હતો. વળી એ મોક્ષસંપત્તિનું સબળ કારણ જે દાન એ હર્ષસહિત આપતો હતો, શીલવ્રત પાળતો હતો, યથાશક્તિ તપશ્ચર્યા કરતો હતો અને ભાવના પણ ભાવતો હતો. આ પ્રમાણે ધર્મના રહસ્યને જાણનારાઓમાં શ્રેષ્ઠ એવો એ શ્રેષ્ઠી પોતાના મનુષ્યભવને સફળ કરતો હતો. એ ધનવાન હતો અને વળી દાનનિપુણ પણ હતો તેથી પોતાને ઘેર, ઘરબહાર, લોકમાં, રાજદ્વારે અને અન્ય સર્વ સ્થળે એનું બહુ માન હતું.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૩