Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
જન્મથી જ દારિદ્રી એવો માણસ જેમ અલ્પ પણ ધન પામીને સંતોષ પામે તેમ, મનને વિષે અતિસંતોષ પામ્યો, અને તુષાતુર હોવાથી પરિણામ વિચાર્યા વિના એ કાદવવાળા સરોવરને વિષે અવળે માર્ગે પેઠો; અથવા તો વ્યથાથી પીડાતા પ્રાણીઓ મતિશૂન્ય થઈ જાય છે. અવળે માર્ગે પેસવાથી તું, મહા આરંભના કરનારા પ્રાણીઓ દુર્ગતિના સાગરને વિષે ખૂંચી જાય છે તેમ, અગાધ કાદવમાં ખૂંચી બેઠો; અને મહામોહને વશ એવો જીવ ઘરરૂપી ન્યાસમાંથી નીકળી શકતો નથી તેમ, એ કાદવમાંથી તું લેશમાત્ર પણ નીકળી શક્યો નહીં. ત્યાં અગાઉ વાસ કરી રહેલો એક પ્રતિસ્પર્ધી હસ્તિ પોતાના બે દસ્તૂશળથી તને નદીના તટની જેમ પીઠ પર પ્રહાર કરવા લાગ્યો. એ પ્રહારની વેદના તેં વર્ષ વર્ષ જેવડા સાત દિવસ સુધી સહન કરી. અંતે તારું સર્વ એકસોનેવીશ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી તું આર્તધ્યાને મૃત્યુ પામ્યો; અને પુન: પણ વિન્ધ્યાટવીના મૂળને વિષે હસ્તિપણે ઉત્પન્ન થયો; કારણ કે એ આર્તધ્યાન તિર્યંચની ગતિને આપનારું છે.
હે મેઘકુમાર ! તારા એ ભવમાં પૂર્વની જેવા જ ગુણવાળો અને ચાર દસ્તૂશળવાળો તું સાતસોને પચાસ હસ્તિના યૂથનો સ્વામી થઈ મેરૂપ્રભ નામે વિચરવા લાગ્યો. એકવાર દાવાનળ સળગેલો જોઈને તને, વૃદ્ધાવસ્થામાં માણસને યૌવનને વિષે અનુભવેલું યાદ આવે છે તેમ તારી પૂર્વજાતિનું સ્મરણ થયું. એટલે તેં તારા યૂથ સહિત ગંગાને તીરે, ચતુરંગસેના યુક્ત ભૂપતિ શત્રુવર્ગને ઉન્મૂલ કરે તેમ, વૃક્ષાદિને ઉન્મૂલન કર્યા. અને ત્યાં ચતુર્માસને વિષે મુનિ કરે છે તેમ તેં આત્માની રક્ષાને અર્થે ત્રણ અતિ વિસ્તારવાળા સ્થંડિલ બનાવ્યા. પછી ત્યાં ઉગેલા દરેક તરણાને તેં જિનકલ્પી મુનિ પજુસણ ઉપર પ્રત્યેક કેશને ટુંપી કાઢે છે તેમ, ઉખેડી નાંખ્યાં. તે ત્રણે સ્થંડિલને તેં હથેળી જેવાં, માણસના કેશ વિનાના મસ્તક જેવા અથવા કહો કે દર્પણભૂમિ જેવાં સ્વચ્છ અને સાફ કર્યા.
૧. મંડળ. મુનિ પણ ચોમાસામાં લઘુનીતિ, વડીનીતિ અને આહારને માટે ત્રણ સ્થંડિલ રાખે છે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૪૫