Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કરી હતી તોપણ બધુમતીને જોઈને મને પૂર્વના ભોગવિલાસ યાદ આવ્યા; કારણ કે કર્મની ગતિ વિચિત્ર છે. એટલે હું આત્માને ભૂલી જઈને એને વિષે અતિ અનુરક્ત થયો; કારણ કે કામને વશ થયેલો પ્રાણી પોતાની અવસ્થા ભૂલી જાય છે. પછી મેં મારો અભિપ્રાય એક બીજા સાધુને જણાવ્યો હતો, તેણે પણ તે પ્રવર્તિની-સાધ્વીને જણાવ્યો હતો કારણ કે સજ્જનો નિરંતર પાપભીર હોય છે. પ્રવર્તિનીએ પણ એ મારો અભિપ્રાય બધુમતીને નિવેદન કર્યો; કારણ કે સર્વે ધાર્મિકજનોની આવી જ મતિ હોય છે. તે જાણીને સાધ્વી બંધુમતી-સતી વિષાદ પામી; કારણ કે ધર્મકાર્યોને વિષે વિપરીતતા જોઈને કોને ખેદ ન થાય ? પછી એણે. પ્રવર્તિનીને કહ્યું-જો ગાઢ અનુરાગને લીધે એ મદોન્મત્ત હસ્તિની પેઠે પોતાની હદનું ઉલ્લંઘન કરશે તો વૃદ્ધ થયેલી ગાયની પેઠે મારા જેવી અબળાની બંને પ્રકારમાંથી કયા પ્રકારની ગતિ થશે ? હું દૂર દેશાન્તરે જઈશ તો પણ ચંદ્રમા જેમ કુમુદ્વતીનો તેમ એ મારો રાગ મૂકશે નહીં. આમ એ મારે નિમિત્તે ભવસાગરને વિષે પડશે; પણ હે સ્વામિનિ ! મારું કે તેનું શીલ ખંડિત ન થાય એટલા માટે હું તો નિશ્ચયે સત્વર મૃત્યુ અંગીકાર કરીશ; કારણ કે વિષમ કાર્ય આવી પડે ત્યારે પ્રાણ ત્યાગ કરવા એજ સારું છે.” એમ કહી મહાસત્ત્વનો ભંડાર એવી એ બધુમતી સાધ્વીએ અનશન કરી દેહનો અને તેની સાથે વિપત્તિનો પણ અંત આણ્યો. એટલે ક્ષણમાં એ તો સ્વર્ગને વિષે ગઈ કારણ કે એવી રીતે મૃત્યુ પામેલા શુદ્ધ આત્માવાળાઓની શુભ ગતિ હોય છે.
પછી એનો વૃત્તાન્ત જાણી હું તો પશ્ચાત્તાપ કરવા લાગ્યો. અહો ! ધિક્કાર છે મને ! કે મેં આવું પાપકાર્ય કર્યું. કેમકે મેં એવી પ્રાર્થના કરીને બંધુમતી સાધ્વીનો ઘાત કર્યો; તેથી મને ઋષિહત્યા જ ફક્ત નહીં પણ સ્ત્રીહત્યા સુદ્ધાં લાગી. તેથી મને નરકને વિષે પણ રહેવાનું નહીં મળે; અને આ લોકમાં તો હું સદા નિન્દાપાત્ર થઈશ. પુરુષ થઈને પણ હું મુંઝાઈ ગયો કે જેથી મેં વ્રતને કલંકિત કર્યું, મારે મુખે જે શ્મશ્ન છે તે એક શ્વાનને મુખે કેમ ન ઉગી ? એક બધુમતી સાધ્વી જ ફક્ત જગતને વિષે સત્યવતી છે કારણ કે એણે મારા તરફથી
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૦૩