Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કલંકિત થવાની આશંકાથી પોતાના દેહનો અંત આણ્યો. એણે તો પોતાનું વ્રત લેશમાત્ર પણ ભાંગ્યા સિવાય ફક્ત મારા જ દોષને લીધે મૃત્યુ અંગીકાર કર્યું; ત્યારે હ્રદય થકી પણ શીલનો ભંગ કર્યો છે જેણે એવા મારા જેવાએ જીવવું યોગ્ય કહેવાય ખરું ? માટે હું પણ નિશ્ચયે પ્રાણ ત્યાગ કરીશ” એવો વિચાર કરીને તે વખતે મેં પણ અનશન ગ્રહણ કર્યું હતું. શુભ ધ્યાને મૃત્યુ પામીને હું પણ સ્વર્ગને વિષે દેવતા થયો હતો; કારણ કે અનુતાપના હેતુથી મને પણ શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત થઈ હતી. પછી સ્વર્ગ થકી ચ્યવીને હું આ ધર્મરહિત એવા દેશને વિષે ઉત્પન્ન થયો છું; અથવા તો શુભાશુભ કર્મ ચિરકાળે પણ ફળે જ છે.
“જો અભયકુમારે આ પ્રતિમા ન મોકલી હોત તો અંધારા કુવામાં રહેલા અંધપુરુષની જેમ, આ મોહસાગરમાંથી મારો કોણ ઉદ્ધાર કરત ? અનાર્યદેશરૂપી શય્યાને વિષે ભાવનિદ્રામાં સૂતેલા મારા જેવાને જેણે પ્રબોધ પમાડ્યો એવી જે એની આ બુદ્ધિ-તેને હું પોતે બલિરૂપ થઈશ. માટે અભયકુમાર હવે મારો પિતા, માતા, મિત્ર, સ્નિગ્ધબંધુ અને સહોદર થયો છે; અથવા તો એટલેથી શું ? એ હવે મારો ગુરુ થયો છે. એવું કયું ભાગ્યશાળી વર્ષ-કયો માસ-કયો દિવસ કયો પ્રહર અને કયી ક્ષણ આવશે કે જ્યારે મને અભયકુમારનો મેળાપ થશે ? માટે તાત આજ્ઞા આપે તો લઈને, અને નહીં તો લીધા વિના પણ હું તેની પાસે જઈશ; કારણ કે કરવા યોગ્ય કાર્ય હોય તે ગમે તેમ પણ કરવું. પછી તે જ દિવસથી આરંભીને તે એ યુગાદીશ્વરની પ્રતિમાની પ્રતિદિન પૂજા કરવા લાગ્યો.
એકદા વખત જોઈને એણે એના પિતાને વિજ્ઞાપના કરી; કારણ કે રાજાઓને તક જોઈને જ વિજ્ઞાપના કરવી જોઈએ; અન્યથા સિદ્ધિ થતી નથી. એણે કહ્યું-હે તાત ! ચકોર જેમ ચંદ્રમાના દર્શન કરવાને તેમ હું શ્રેણિકપુત્ર-અભયકુમારના દર્શન કરવાને અતિ ઉત્કંઠિત થયો છું. આદ્રંકરાજાએ કહ્યું-હે વત્સ ! વિયોગ સહન કરવો અશક્ય છે માટે વિદેશ જવું નહીં કેમકે પરભૂમિ નિરંતર વિઘ્નયુક્ત હોય છે. માટે હે પુત્ર ! તું અહીં જ રહીને એની સાથે મિત્રાચારી બાંધ; કારણ કે
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૦૪