Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
અહીં જેવાં તેવાં વૃક્ષો પણ પ્રાયઃ અધિષ્ઠાયક દેવતા વિનાનાં હોતાં નથી; અને આ તો વળી આવી લક્ષ્મીએ યુક્ત હોવાથી દેવતાથી અધિષ્ઠિત જ છે એમ સ્પષ્ટ જણાય છે. તેથી એને છેદવું ન જોઈએ કારણ કે કદાચિત વિપ્ન કરે. માટે હું નિશ્ચયે ઉપવાસપૂર્વક વિધાન કરું કે જેથી આ મારું કાર્ય ત્રણ મંગળે કરીને સહિત થાય.” એ બુદ્ધિશાળી સુથારે એવો નિશ્ચય કરી ઉપવાસ કરી પ્રતિષ્ઠાને આગલે દિવસે બિંબને કરે છે તેમ સુગંધિ ધૂપ-ગંધ-કુસુમ આદિથી એ વૃક્ષને સુવાસિત કર્યું. એ વખતે એ તરૂવરના અધિષ્ઠાયક દેવતાએ શ્રેણિક રાજાના પુત્ર અભયકુમારને જઈને કહ્યું કે-હું સર્વ ઋતુના પુષ્પો અને ફળના સમૂહથી યુક્ત એવા વૃક્ષોની વાટિકાએ કરીને સહિત એવો તારા મન ધાર્યો મહેલ તને કરી આપીશ માટે મારું આશ્રયભૂત જે વૃક્ષ છે તે તારે છેદાવવું નહીં; માટે સત્વર તારા સુથારને પાછો બોલાવી લે; કારણ કે અર્કને વિષે મધ મળે ત્યારે પર્વત પર કોણ જાય ?” એ પરથી રાજકુમારે એ સુથારને “આપણું કાર્ય સિદ્ધ થઈ ચૂક્યું છે' એમ હર્ષ સહિત કહેવરાવીને પાછો બોલાવી લીધો. એટલે દેવતાએ ક્ષણવારમાં એ પ્રાસાદ બનાવી દીધો; અથવા તો સ્વર્ગના વાસી એવા એઓને ચિંતવ્યા માત્રથી જ સર્વ વસ્તુ સિદ્ધ થાય છે.
પછી નાના-મોટા સર્વ અમાત્યોના શિરોમણિ એવા એ અભયમંત્રીશ્વરે રાજાને ત્યાં આગળ લઈ આવીને કહ્યું કે-હે પ્રભુ ! આપના યશના સમૂહ જેવો આ સુધાથી ધોળેલો એક સ્તંભનો મહેલ આપ દષ્ટિએ કરીને આદર સહિત નિરખો. વળી સર્વદા ફુલી રહેલાં તથા ફળી રહેલાં આમ્રવૃક્ષ, રાયણના વૃક્ષ, બીજોરાંના વૃક્ષ, નારંગી તથા ખજૂરના વૃક્ષ, અશોક વૃક્ષ, દાડિમ તથા સંતરાના વૃક્ષ અને કદલી તથા મલ્લિકાના વૃક્ષોથી ભરાઈ ગયેલો, અને બંધુજીવ-બાણ-આસન-જાતિ-સપ્તલા-પાટલચંપક-રાજચંપક-દ્રાક્ષ-નાગવલ્લી પ્રમુખ લતાઓનાં મંડપોથી ઊભરાઈ જતો એવો આ બાગ આપ નિહાળો. એટલે રાજાએ કહ્યું-અહો ! તને
૧. આકડાનું વૃક્ષ.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૬૧