Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
નગર આદિથી યુક્ત એવી પૃથ્વી પર વિહાર કરી ભવિકજનને પ્રબોધ પમાડતા શ્રીમાન્ મહાવીર જિનેશ્વર એ નગરને વિષે આવી સમવસર્યા. તત્ક્ષણ વૈમાનિક આદિ દેવતાઓએ ત્રણગઢની રચના પ્રમુખ કાર્યો કર્યો છતે ભગવાને, એમનાથી (દેવોથી) નિરંતર સંચાર કરાતા સુવર્ણપદ્મો પર ચરણકમળ મૂકી પૂર્વદિશાને મુખેથી સમવસરણને વિષે પ્રવેશ કરી સિંહાસન પર બેસી મનુષ્ય અને દેવતાઓની પર્ષદાને યોજન પર્યન્ત સંભળાતી વાણી વડે ધર્મદેશના આપી.
તે વખતે નગર તરફ આવવા નીકળેલો રૌહિણેયચોર, ભવ્યપુરુષ વીર્યબળ વડે મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને ઓળંગીને ગ્રંથિપ્રદેશ' પ્રાપ્ત કરે છે તેવી રીતે પ્રભુના વ્યાખ્યાનપ્રદેશને પ્રાપ્ત કરતો હતો એટલે પિતાએ ભોળવેલો એવો એ વિચાર કરવા લાગ્યો જો હું પાસે જઈશ તો એની વાણી સાંભળીશ, પણ ત્યારે જવાનો બીજો એકે માર્ગ નથી. તેથી હા ! હું, ઘન એવી જાળને વિષે મત્સ્ય આવી પડે તેમ, મોટા કષ્ટને વિષે આવી પડ્યો છું. વળી જો હું નગરમાં ન જતાં ઘેર પાછો જાઉં તો મારાં સર્વ કાર્યો દરિદ્રીની પેઠે રખડી પડે એમ છે; માટે કાન બંધ કરીને બહેરો થાઉં; કારણ કે કાર્યને વશે શું ઘેલાપણું પણ નથી અંગીકાર કરવું પડતું ? એમ વિચાર કરીને તત્ક્ષણ કાનને ધૃતના કુડલાની જેમ પોતાની આંગળી વડે સજ્જડ રીતે બંધ કરીને, પાછળ જાણે ધાડ આવતી હોય એમ ઉતાવળે પગલે ગામમાં ગયો. એમ માર્ગને વિષે નિરંતર આ પ્રકારે ગમનાગમન કરતાં તેણે કેટલાક દિવસ નિર્ગમન કર્યા. અહો ! ધિક્કાર છે વિપર્યસ્તમતિવાળાઓની આવી ચેષ્ટાને !
એકદા હંમેશની પેઠે એ પ્રકારે ઉતાવળે પગલે જતા એ રૌહિણેયને “તું એમ મોહનિદ્રામાં કેમ સૂઈ રહ્યો છે ? અરે ! જાગૃત થા,” એમ પ્રતિબોધ આપવાને માટે જ હોય નહીં એમ પગને વિષે કાંટો વાગ્યો.
૧. મોહનીય કર્મની સીતેર કોડાકોડી સાગરોપમની સ્થિતિ હોય છે; તેને ઓળંગીને-ઓછી કરીને, એક કોડાકોડી સાગરોપમથી કંઈ ઓછીએ આવે ત્યારે જીવ ગ્રંથિપ્રદેશે પહોંચ્યો કહેવાય છે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૮૫