Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
પૂજાઓ કરી હતી; વળી સમેતશિખર-શત્રુંજય-રૈવતાચળ આદિ તીર્થોએ અનેકવાર યાત્રા કરી હતી તથા અનુપમ એવું સંઘવાત્સલ્ય કર્યું હતું, પંગુ-અંધ-દીન આદિને નિરંતર દાન આપ્યાં હતાં; ઉત્તમ છે આદર જેનો એવાં જીર્ણોદ્ધાર કરાવ્યા હતા તથા નિષ્કલંક શીલ પાળ્યું હતું. નિરંતર ઉપવાસ-છઠ્ઠ આદિ દુસ્તપ તપશ્ચર્યા કરી હતી; તથા બારે ભાવનાઓ પણ આદરી હતી. હું નિત્ય આ પ્રમાણે કૃત્યો કરતો હતો” એમ રૌહિણેયે પ્રતિહારને પોતે પોતાના પૂર્વના ભવના કાર્યો ગણાવ્યાં. કારણ કે કૂડું કહેવું હોય ત્યારે શામાટે ઓછું કહેવું ? પછી પ્રતિહારે પુનઃ કહ્યું- હે પ્રભો, હવે આપ આપના પૂર્વભવના દુશ્ચરિત-પાપાચરણ હોય તે કહો. કારણ કે જ્યોતિષીઓ શું ઉચ્ચફળવાળા ગ્રહોને નિરૂપણ કરીને પછી શું ઇતરગ્રહોને નથી નિરૂપણ કરતા ?
એ છેલ્લા પ્રશ્નના ઉત્તરમાં લોહખુરના પુત્રે કહ્યું-નિરંતર ઉત્તમ સાધુઓનો સંસર્ગ હોવાથી મેં કદિ પાપાચરણ કર્યું જ નથી; પણ લોકોને વિષે મેં તે બીજાઓના સંબંધમાં સાંભળ્યું છે. હે પ્રતિહાર ! આપની કોઈ મોટી કૃપાને લીધે જ હું નિરંતર એવી રીતે સુકૃત્યોનો વિચાર કર્યા કરતો કે પાપ તો મારાથી દૂરને દૂર નાસી જતું. અથવા તો સૂર્યની પાસે અંધકાર કેમ ટકી શકે ? પણ દંડધારી પ્રતિહારે વળી પૂછ્યું-એ અવતાર કદિપણ એક જ ભાવ વડે નિર્ગમન થતો નથી, મોટા સાધુને પણ અંતર્મુહૂર્તને વિષે પ્રમાદાચરણ થઈ જાય છે. માટે તમારાથી પરસ્ત્રીગમન-ચૌરી આદિ દોષયુકત આચરણ થઈ ગયાં હશે; કારણ કે નિરંતર અતિ ઉત્તમ એવાં ક્ષીર ભોજન પ્રાપ્ત થતાં હોય તેના પર પણ શું અરૂચિ નથી થતી ? તે સાંભળી ચોરશિરોમણિ રોહિણેય બોલ્યો-હે ચતુર પ્રતિહાર ! મેં સ્વપ્નને વિષે પણ ચોરીપરદારાગમન કે અન્ય કિંચિત પાપાચરણ નથી કર્યું. જો કર્યું હોય. તો પછી સુસાધુની સેવા કેવી સમજવી ? વળી તમે જ કહો કે જો એવાં કોઈ પાપ કર્યા હોય તો આવી સ્વર્ગસંપત્તિ મને કેવી રીતે પ્રાપ્ત થાય ? કારણ કે યવના બીજમાંથી કદિ શાળની ઉત્પત્તિ સંભવે. ખરી ?”
૧૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)