Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સર્ગ પાંચમો
લક્ષ્મીનો ક્રીડાપ્રદેશ જ હોય નહીં એવો એક મધ્યસ્થલોકોથી ભરેલો આર્દ્રકદેશ નામે દ્વિપ છે. એ દ્વિપને વિષે સુગંધી પદાર્થોની બજાર જેવું એલચી-લવિંગ-કક્કોલી-જાઈફળ આદિના વૃક્ષોથી મઘમઘી રહેવું વન હતું. જાતિવંત મુક્તાફળની જેમ એની ભૂમિ જળયુક્ત' હતી; તથા મેંઢા નિમાળાથી યુક્ત હોય છે તેમ, લીલાઘાસના સમૂહથી ભરપૂર હતી. છીપોને વિષે મુક્તાફળના સમૂહ નીપજે છે તેમ, એને વિષે સર્વઋતુઓના ધાન્ય અને કણ પુષ્કળ ઢગલાબંધ નીપજતા હતા. ત્યાં આર્દ્ર આર્દ્રક(આદુ)ની જેમ ચિત્તને ચમત્કાર પમાડનાર આર્દ્રક નામે એક પ્રખ્યાત નગર હતું. એ નગરની હાથીદાંત-પરવાળાં-મુક્તાફળ-માણિક્ય આદિથી ભરેલી બજારો, જાણે સાક્ષાત્ એમની ખાણો જ હોય નહીં એમ શોભી રહી હતી. ઊંડી જળે ભરેલી અને કમળ પુષ્પોએ કરીને યુક્ત એવી એની વાવો જાણે એને જોવા આવેલા નેત્ર પ્રસારી રહેલા પાતાળ ભુવનો જ હોય નહીં (એવી જણાતી હતી). ત્યાં છેદ ઈંધનને વિષે જ હતો, બંધન પુષ્પોને વિષે જ હતું, નિન્દા મૂર્ખજનોની જ થતી હતી, અને નિપીડન વસ્ત્રોને વિષે જ હતું.
આ નગરમાં અર્શીજનોને દાન દેવામાં કલ્પવૃક્ષ જેવો એક આર્દ્રક નામે રાજા થયો. જયલક્ષ્મીરૂપી ઉત્તમ સ્ત્રીને પ્રાપ્ત કરવાને ઉત્સુક એવા એ મહીપતિને એનું સર્વત્ર અસ્ખલિતપણે પ્રસરતું ખડ્ગ જ નિરંતર દૂતનું કાર્ય કરતું. એના એ ખડ્ગરૂપી વાયુથી ચોરરૂપી વૃક્ષો નાશ પામ્યાં હતાં એમાં કંઈ આશ્ચર્ય નહોતું; વિચિત્ર જ એ હતું કે એનાથી મોટા મોટા મહીપતિઓ પણ નાસી જતા હતા. વળી એ પણ એક ચમત્કાર
૧. જળ (૧) તેજ. મોતી તેજસ્વી કે પાણીદાર; (૨) પાણી-નીર ત્યાં જળાશયો બહુ હતાં. ૨. નીચોવવું તે. ૩. મહીભૃત્ થકી ઉત્પન્ન થઈને પાછી મહીભૃત્ના જ મસ્તકને વિષે આરૂઢ થાય એ આશ્ચર્ય-વિરોધ. શમાવતાં મહીભૃા બેઉ જગ્યાએ જુદાજુદા અર્થ લેવા (૧) રાજા (૨) પર્વત. રાજાથકી ઉત્પન્ન થયેલી એટલે રાજાની કીર્તિ પર્વત પર પણ પહોંચી હતી-અર્થાત્ બહુ વિસ્તરી હતી. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૧૯૭