Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
લક્ષ્મી જોવાથી જ હોય નહીં એમ દુઃખ ઉત્પન્ન થયું. એણે ગર્ભપાત કરવાને તીવ્ર ઔષધિઓ ખાધી પરંતુ સર્વ નિષ્ફળ ગઈ; અથવા તો નિકાચિત આયુષ્યને તોડવાને કોઈ સમર્થ નથી. આજે જ એ વેશ્યાએ પૂર્વભવના કર્મને લીધે દુર્ગધથી ભરેલી એવી આ પુત્રીને જન્મ આપીને એને, પાકી ગયેલા વ્રણના પરૂની જ જેમ તલ્લણ માર્ગને વિષે ત્યજી દીધી છે. એ સાંભળીને પુનઃ મહીપાળે ભગવાનને પૂછ્યું- હે પ્રભુ! એ વેશ્યાની પુત્રી છે એજ ઓછું દુઃખ નથી; એને એથી વધારે દુઃખ શા વાતે ભોગવવું પડે છે ? કારણ કે નારકીના જીવ સિવાય અન્ય કોઈ જીવ એકાંત દુઃખી નથી. સ્પષ્ટ છે વિકાસ જેનો એવા કેવળજ્ઞાનથી સકળલોકના વિસ્તારને નીરખતા એવા પ્રભુએ કહ્યું-એણે પૂર્વે કરેલું સર્વ પાપ ભોગવી લીધું છે; અને હવે એ સુખ ભોગવશે, તે કેવી રીતે તે તું સાંભળ
આઠ વર્ષ પર્યન્ત એ તારી અતિપ્રિય પટ્ટરાણી થઈને રહેશે. કારણ કે સાળવીએ વણેલું એવું પણ સુકોમળ વસ્ત્ર રાજાઓને ભોગવવા લાયક નથી શું ? ત્યારે મહીપતિએ કૌતુકને લીધે પૂછ્યું-પણ હે જિનેશ્વર ! મને એની શી રીતે ખબર પડે ? અતીત-અનાગત અને વર્તમાનના જાણનારા એવા ભગવાને ઉત્તર આપ્યો-હે પૃથ્વીપતિ ! તું હર્ષસહિત તારી રાણીઓ સાથે ક્રીડા કરતો હોઈશ તે વખતે જે તારી પીઠ પર લીલાએ કરીને પર્યાણ માંડીને ચઢી જાય તેને જ તું આ ધારજે.” પ્રભુનું આવું કહેવું સાંભળીને કુતૂહલથી આકર્ષાતું છે મન જેનું એવો શ્રેણિકરાજા-અહો માનસરોવરની હંસીની જેમ, એ કેવી રીતે મારી પ્રિયવલ્લભા થશે ?- એવા વિચારમાં તીર્થકર મહારાજાને વંદન કરીને પોતાને આવાસે ગયો.
હવે અહીં માર્ગને વિષે જતી કોઈ મહીયારીએ એ બાળિકાને જોઈને વિચાર્યું-અહો આ તે દેવાંગનાએ પડતી મૂકેલી કોઈ દેવકન્યા છે કે પૃથ્વીમાંથી નીકળેલી એની (પૃથ્વીની) પુત્રી છે ? મારે કંઈ સંતતિ નથી તેથી હું એને લઈ લઉં, તો એ મારી પુત્રી થશે; કારણ કે જેને પોતાનું આભૂષણ નથી હોતું તે શું પારકું લાવીને નથી પહેરતો ?
૧૭૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)