Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
પૂજા કરતો; અને તેની આગળ બહુ પ્રકારના નૈવેદ્ય ધરતો. પછી નવ હાથ સુધી ભૂમિને તપાસી તથા ત્રણવાર પ્રમાર્જિને, અન્ય ત્રણે દિશાઓ તરફથી દૃષ્ટિ સંહરી લઈ તેને જિનેશ્વરના મુખ ભણી જ રાખીને, પ્રમાર્જેલી ભૂમિને વિષે બેસીને તે દેવવંદન કરતો.
ઈર્યાપથિકી પ્રતિક્રમી નમસ્કાર ઉચ્ચરીને તે ઉત્તમ યોગમુદ્રાએ શક્રસ્તવ કહેતો. (બંને હાથની આંગળીઓને એક બીજાની વચ્ચે નાખી કોશાકાર કરી બંને કોણીને કુક્ષિને વિષે રાખવાથી યોગમુદ્રા થાય છે.) પછી જિનમુદ્રાથી અરિહંતના સ્થાપના સ્તવનથી આરંભીને સિદ્ધસ્તવન પર્યન્ત સ્તુતિગર્ભ દંડકોને વિચારીને; તથા મુક્તાશુક્તિ મુદ્રાથી, અસાધારણ ગુણોને લીધે ઉદાત્ત અને સંવેગસૂચક એવા સૂત્રો વડે તેમની સ્તવના કરી; મન-વચન-કાયાની ગુપ્તિથી ગુપ્ત એવો એ અભયકુમાર, વર્ણાર્થપ્રતિમાત્રિક તથા છદ્મસ્થ-સમવસરણસ્થ અને મુક્તિસ્થ એવી જિનેશ્વરની ત્રણ દશાઓને ભાવતો નિરંતર વિધિસહિત દેવવંદન કરતો.
પછી પરિવાર સહિત ગુરુને નમન કરવા જતો. ત્યાં ગુરુને એકસોને બાણું સ્થાનોએ શુદ્ધ એવું દ્વાદશાવર્ત વંદન કરીને તે પુનઃ પ્રત્યાખ્યાન કરતો. પછી શેષ મુનિઓને પણ તે મોટા-નાનાને અનુક્રમે નમસ્કાર કરતો; અને પ્રત્યેકને શરીર તથા સંયમની નિરાબાધતા પૂછતો; પછી અંજલિ જોડીને ગુરુના મુખ થકી વ્યાખ્યાન સાંભળતો; અને તે પૂરું થયે ઊભો થઈ ગુરુને વાંદીને પોતાને સ્થાને જતો. ત્યાં જઈ રાજ્યકાર્યો કરીને માયારહિત ભક્તિ વડે પૂજા કરતો. પછી પોતાના પરિવારની ખબર અંતર પૂછી વિશુદ્ધ અન્નપાનથી મુનિઓને પ્રતિલાભી દુર્બળ શ્રાવકોને તથા દીન-અનાથાદિને જમાડતો. છેવટે મેઘની પેઠે લોકોને અર્થ આપીને સંતોષ પમાડી પોતાનું પ્રત્યાખ્યાન સંભારીને, પોતે સાત્મ્યભાવથી ભોજન ગ્રહણ કરતો. પુનઃ પણ સુનીતિ સહિત રાજ્યકાર્યોનો વિચાર કરીને દિવસેને આઠમે ભાગે (એક પ્રહર દિવસ છતે) તે સાંજનું ભોજન લેતો. પછી સંધ્યા સમયે જિનબિંબની બહુમાન સહિત અર્ચા કરીને, પ્રતિક્રમણ કરી સ્વાધ્યાય કરતો. શક્તિને અનુસાર અબ્રહ્મનો ત્યાગ કરતો. અને દેવ-ગુરુ તથા પરમેષ્ઠી નમસ્કારનું સ્મરણ કરીને નિત્યને સમયે નિદ્રા લેતો.
૧૫૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)