Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કરે ? જ તે હવે વિશેષ મંદ થઈ; મોટા માણસથી સમાક્રાન્ત થયે છતે થોડું પણ હલી કે ચલી શકવું એજ આશ્ચર્ય છે. એને આળસ બહુ થતી હતી એ જાણે બાળક ક્ષમાશીલ થશે એમ સૂચવતું હતું; વળી એના દક્ષિણ અંગની ગુરુતા અનુમાન કરાવતી હતી કે ગર્ભમાં પુત્ર છે. ઉષ્ણતા થશે તો ગર્ભને દુઃખ થશે માટે એના સુખને અર્થે શીતવાયુ ગ્રહણ કરવાને માટે જ હોય નહીં એમ એને વારંવાર બગાસાં આવવા લાગ્યા. વળી હવે નન્દાને વિશેષ લજ્જા આવવા લાગી; અથવા તો ગુણવાનૂની સંગતિમાં ગુણની વૃદ્ધિ થાય એ યોગ્ય જ છે. બહારથી પણ એનું રૂપ અતિ ખીલી નીકળ્યુંઃ મણિનાયોગથી મુદ્રિકાનું પણ એવું જ, સૌંદર્ય જણાય છે.
અનેક ઉત્તમગુણયુક્ત ગર્ભનું વિધિ પ્રમાણે પાલન કરતાં નન્દાને ત્રીજે માસે દોહદ ઉત્પન્ન થયો કે, હું હસ્તિ પર આરૂઢ થઈને, નગરને વિષે સર્વત્ર અમારિ ઘોષણા સંભળાવું; અને કલ્પવૃક્ષ પર રહેલી (એની) લતાની પેઠે દીન–અનાથ જનોના મનોરથ પૂરું. અંતઃકરણને વિષે પ્રમોદ પામતી નન્દાએ પોતાનો દોહદ પિતાને સંભળાવ્યો; કારણ કે ન કહી શકાય એવું હોય તે પણ ગુરુજનને અવશ્ય કહેવું જોઈએ, તો આવી વાત કહેવી એમાં શું ? નન્દાનો દોહદ સમજીને ભદ્રશ્રેષ્ઠિને હર્ષ થયો કે “નિશ્ચયે એના ગર્ભને વિષે કોઈ ઉત્તમ જીવ છે; કારણકે ઉદરને વિષે જેવું ભોજન હોય છે તેવો જ ઉદ્ગાર આવે છે. માટે હું ત્વરાએ પુત્રીના દોહદ પૂર્ણ કરું; કેમકે દોહદ પૂર્યા વિના તરૂ પણ ફળતા નથી.
૧. મોટો માણસ પાસે હોય ત્યારે સામું માણસ થંભાઈ જાય છે; તેમ નન્દાની પાસે (ગર્ભમાં) મહાપુરુષ હોવાથી જાણે મંદગતિ થઈ. ૨. દક્ષિણ અંગ ભારે હોય છે તો ગર્ભમાં પુત્ર, અને વામ અંગ ભારે હોય છે તો, પુત્રી હોય છે એમ કહે છે.
૩. ગુણવાનું. (અહીં) ગર્ભ. ૪. ગુણ. (અહીં) લાજ. ૫. દોહદ ગર્ભવતી સ્ત્રીની ઈચ્છા.
૬. કવિઓ કહે છે કે તારૂઓને પણ કળિઓ ફુટવાને સમયે દોહદ થાય છે; જેમકે અશોકવૃક્ષ યુવાન સ્ત્રી ચરણ પ્રહાર કરે છે ત્યારે પુષ્પ ધારણ કરે છે, બકુલ વૃક્ષ એના મુખથકી મદિરાનો છંટકાવ પામે છે ત્યારે વિકસ્વર થાય છે; પ્રિયંગુ એના શરીરના સ્પર્શથી-ઈત્યાદિ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૩૩