Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
એ સ્વપ્ન જોઈને પ્રફુલ્લિત થયાં છે નેત્રો જેનાં એવી એ મહાદેવી તરત જ જાગી; કારણ કે એવા જનોને નિદ્રા અલ્પ હોય છે. જાગીને, ગતિને વિષે હંસીનો પરાજય કરનારી એ રાણી રાજા પાસે ગઈ, અને તેને કોમળ વચનોથી જગાડ્યા; કારણ કે સ્ત્રીઓને તો મૃદુતા જ શોભે છે. પછી પતિને તેણીએ કહ્યું-હે સ્વામિન્ ! મેં હમણાં હસ્તિનું સ્વપ્ન જોયું, તો વૃક્ષની જેમ એનું શું ફળ થશે ?
વર્ષાઋતુને વિષે મેઘજળની ધારાથી કદમ્બવૃક્ષ અંકુર ધારણ કરે તેમ આ વાત સાંભળી હર્ષથી રોમાંચ ધારણ કરતા શ્રેણિકરાજા કહેવા લાગ્યા-“હે પ્રિયે ! તેં સ્વપ્નને વિષે ગજરાજ જોયો તેથી નિશ્ચયે કુંતીએ જેમ ભીમને જન્મ આપ્યો હતો તેમ તું, એક કુળદીપક-કુળરત્ન-કુળને વિષે મુકુટ સમાન, કુલપર્વત સમાન અને કુળને વૃદ્ધિ પમાડનાર, તથા હસ્તિ સમાન બળ અને પરાક્રમવાળા એક પુત્રને જન્મ આપીશ.” પોતાના પતિના આ શબ્દોને રાણીએ નિશ્ચયે શકુનની ગાંઠના મિષે બાંધી લીધાએમ કે છુટા રહેશે તો કોઈ એને લઈ જશે. વળી એ બોલી કે આપની કૃપાથી મને અલ્પ સમયમાં એમ થાઓ; કારણ કે ઉત્તમ જનોનું વચન કદિ પણ અન્યથા થતું નથી.
પછી રાજાએ જવાનું કહ્યું એટલે રાણી પોતાના શયનખંડમાં ગઈ; કારણ કે કુળવાનૢ સ્ત્રી સર્વ કાર્ય પતિની આજ્ઞા પ્રમાણે કરે છે. સુંદર શકુન, બીજા અપશકુનોથી જ જેમ, તેમ, આ મારું શુભ સ્વપ્ન બીજાં દુઃસ્વપ્નોથી પ્રતિઘાત ન પામે, માટે હું સાધ્વીની પેઠે ધર્મજાગરણ કરું કે જેથી મને કુમુદિનીની પેઠે હવે નિદ્રા ન આવે-એમ વિચારીને એણે સખીઓની સાથે સુંદરી-બ્રાહ્મી-નર્મદા-દમયંતી-અંજના-રાજિમતી-સીતાદ્રૌપદી-નંદા-ઋષિદત્તા-અને મનોરમા પ્રમુખ સતી સ્ત્રીઓની કથા કાઢી. પછી એના ધર્મજાગરણને વધારે શ્રવણ કરવાને આતુર હોય નહીં એમ રાત્રી પણ ક્ષણમાં વ્યતીત થઈ.
આ સમયે કાળ નિવેદન કરનારો પુરુષ ઊંચે સ્વરે બોલવા લાગ્યો-(કારણ કે રાજા પ્રચંડશાસનવાળો છતાં, પોતાને નિયમિત વખતે કોણ નથી જાગતું ?) “આ કંઈક રક્તમંડળવાળો તેજોનિધિ સૂર્ય આપની અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૯૮