Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
તિર્યંચ તો છે જ એવાને વળી લોકો પણ દુઃખ દે છે; કારણ કે દેવ. દુર્બળનો જ ઘાતક છે.
પછી અત્યંત વેદના સહન કરી કર્મ ખપાવીને ત્યાંથી ચ્યવી તેઓ ઋદ્ધિવાન્ પુરુષ ગ્રામથકી નગરને વિષે આવે છે તેમ, નરયોનિને વિષે આવે છે. ત્યાં પણ ગર્ભવાસને વિષે તેમજ યોનિથકી બહાર નીકળતી વખતે (જન્મ સમયે) તેમને જે દુઃખ થાય છે તે મનુષ્યનાં અન્ય સર્વ દુઃખથી પણ અધિક છે. વહિનથી તપાવેલી સોયોને શરીરના રોમને વિષે સંભિન્ન કરાવવાથી જે દુઃખ થાય છે તે કરતાં આઠગણું દુઃખ તેમને ગર્ભવાસને વિષે થાય છે; અને યોનિથકી પ્રસવતી વખતે તેમને જે દુઃખ થાય છે તે તો ગર્ભવાસના દુઃખ કરતાં અનન્તગણું થાય છે.
હવે મનુષ્યભવને વિષે પણ, બાલ્યાવસ્થાને વિષે દાંત ફુટે છે ત્યારે અત્યંત દુઃખ વેઠવું પડે છે; અને કૌમારાવસ્થાને વિષે ક્રીડા પ્રમુખથી દેહકલેશ અનુભવવા પડે છે. વળી તરૂણાવસ્થાને વિષે તેઓ અમદાઓના સુંદર લોચનરૂપી લક્ષ્મીને વિલોકવાને, ભ્રમરનાં ટોળાં કુસુમોને વિષે ભમે છે તેમ, સ્થાને સ્થાને ભમ્યા કરે છે. તેમની અયોગ્ય વિષયની ઈચ્છા અફળ થાય છે એટલે તો તેઓ, લાક્ષારસ ઝરનારા વૃક્ષોની જેમ દિવસે દિવસે શરીરે ક્ષીણ થતા જાય છે; વળી કેટલાક યોગ્ય સ્થાનને પામેલા છતાં અવિચારી હોઈને ફળ પ્રાપ્ત કર્યા વિના જ પતંગીઆની પેઠે વિનાશ પામે છે. કહ્યું છે કે, વાણિજ્ય, નૃપતિની સેવા, કૃષિ, અશ્વાદિનું પોષણ, સમુદ્ર પર્યટણ, રોહણાચળની ભૂમિનું ખોદવું, નિરંતર ધાતુઓને ફંકવી, રસકૂપિકાનો પ્રયોગ, મંત્ર તંત્ર, નિમિત્તાદેશ, સમૃદ્ધિવાન્ જનોનો સહવાસ, શસ્ત્રશાસ્ત્રને વિષે કુશળતા-વિચિત્ર એવું ચિત્રજ્ઞાન તથા વ્યાધિની ચિકિત્સા પ્રમુખ વ્યાપારો પુણ્યહીન વ્યાપારીને ફળદાયી થતાં નથી. કારણ કે કંકેલિ વૃક્ષને કદાપિ પણ પુષ્પ આવે નહીં. વળી કેટલાક અત્યંત સુંધાના દુઃખથી પીડાતા ઘરના ચારે ખુણામાં ક્રોધી સ્ત્રીના ક્રોધથી નિર્વેદ પામતા છતાં મુખ લઈને દૂર દેશાન્તરે જતા રહે છે અને ત્યાં મૃત્યુ પામે છે; અથવા તો દુઃખી જનને કંઈ દુષ્કર નથી.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૫