Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
જઈને તેમનું કહેલું એને કહી સંભળાવ્યું કારણ કે પ્રેમની ગતિ જ આવી હોય છે. પછી પુષ્ટિના હેતુરૂપ અને અતિતેલ વગેરે વસ્તુઓથી રહિત એવા આહારવડે, રાણી ગર્ભનું પોષણ કરવા લાગી; માંદો માણસ પથ્ય વડે દેહનું પોષણ કરે તેમ.
હવે સુખે કરીને ગર્ભનું પાલન કરતી રાણીને ત્રીજે માસે અશોકવૃક્ષની જેમ દોહદ ઉત્પન્ન થયો કે-વરસાદ વરસતો હોય- તેની સાથે વીજળીની ગર્જના થઈ રહી હોય-નદીઓ ચાલી રહી હોય-ઝરા વહેતા હોયપૃથ્વી પર લીલા અંકુરો પથરાઈ ગયા હોય-મયૂરો નૃત્ય કરી રહ્યા હોયઅને દેડકાઓ ડ્રાંઊં ડ્રાંઉં શબ્દ કરી રહ્યા હોય એવે વખતે ઉત્તમ વસ્ત્રાલંકાર ધારણ કરી હું હાથણીની ઉપર બેસીને નગરમાં તથા બહાર વૈભારગિરિ સુધી ફરું, મારા પર છત્ર ધરવામાં આવે, ચામર વીંઝાય, સામંતાદિ પરિવાર સહિત રાજા પણ સાથે આવે અને બન્દીજનો ગાયન ગાતા આગળ ચાલે-એમ વર્ષાઋતુની ઉત્તમ શોભાનું હું યથેચ્છ સન્માન કરું.
પણ આ દોહદ તેને અકાળે ઉત્પન્ન થયો. પ્રાય: મનુષ્યો જે દૂર હોય અને જે દુર્લભ હોય તેની જ વાંછા કરે છે. આવો અકાલીન દોહદ નહીં પૂર્ણ થઈ શકે એવો હોવાથી તે ઉષ્ણ ઋતુની રાત્રિની શ્રેણિની જેમ દિવસે દિવસે ક્ષીણ થવા લાગી. તોપણ તેણે એ વાત કોઈને કહી નહીં; કારણ કે મોટા લોકોએ પોતાનું દુષ્કર કાર્ય કોઈની આગળ કહેવું મહામુશ્કેલ છે. પણ તેની અંગત દાસીઓએ એ વાત રાજાને જણાવી, કારણ કે સેવક વર્ગ નિત્ય પોતાના કુલાચારની રક્ષા કરે છે.
રાજા તરત જ ધારિણીની પાસે ગયો; કારણ કે પ્રિયજન અસ્વસ્થ હોય ત્યારે કોણ ઉતાવળ નથી કરતું ? ત્યાં જઈને તેણે ચેલ્લણાની જેમ તેના જેટલા જ પ્રેમસહિત તેને પૂછ્યું; કારણ કે મહાન્ પુરુષોને એક વામા (ઓછી) કે બીજી દક્ષિણા (વધતી) એવો કંઈ વિભાગ હોતો નથી. રાણીએ કહ્યું-હે સ્વામિનાથ ! મને ગરૂડ અને તક્ષક નાગના મસ્તકના ભૂષણરૂપ ચુડામણિને ગ્રહણ કરવા જેવો અકાળે મેઘનો દોહદ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૦૧