Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સહિત બેઠો; કારણ કે અધિકથી પણ અધિક હોય છે. વળી અભયકુમાર આદિ કુમારો પણ જિનેશ્વરભગવાનને વંદન કરીને ભૂપતિની પાછળ બેઠા; કારણ કે સુપુત્રો હંમેશાં પિતાને અનુસરનારા હોય છે. સામંતો, સચિવવર્ગ, શ્રેષ્ઠિજન અને સાર્થવાહ પ્રમુખ લોકો પણ યથાસ્થાને બેઠા; કારણ કે નીતિ બલવત્તર છે. હવે ત્રણ જગત્ના ગુરુ એવા શ્રી મહાવીરભગવાને સર્વ કોઈની ભાષાને અનુસરતી અને યોજન પર્યન્ત પ્રસરતી વાણી વડે ધર્મદેશના આપવા માંડી :
આ ચાર ગતિવાળો સંસાર દુ:ખથી જ પૂર્ણ છે. અમાવાસ્યાની રાત્રિના ચંદ્રમામાં જેમ લેશ પણ પ્રભા હોતી નથી તેમ એ સંસારમાં પણ સુખ લેશમાત્ર નથી. જુઓ કે, ઔદારિક શરીરને વિષે વાતપિત્ત-કફ હોય છે તેવી રીતે નરકને વિષે પ્રથમ તો ત્રણ પ્રકારની વેદના છે. સાતે નરકને વિષે સહજ એટલે ક્ષેત્રવેદના છે. અન્યોઅન્ય કૃત વેદના છઠ્ઠી નરક સુધી છે; અને પરમાધાર્મિકકૃત વેદના ત્રીજી નરક સુધી છે. પહેલી ત્રણ નરક પૃથ્વીને વિષે ઉષ્ણ નરકવાસ છે; ચોથીમાં કેટલાએક ઉષ્ણ અને કેટલાએક શીત છે; અને છેલ્લી ત્રણમાં અતિશીતળ નરકાવાસ છે. જો કોઈ મેરૂપર્વતપ્રમાણ હિમનો પિંડ ઉષ્ણ નરકની પૃથ્વીને વિષે ફેંકે તો તે પિંડ ત્યાં પડતાંની સાથે જ અતિ શીતળ થઈ જાય છે, એટલું જ નહીં પણ, એ નારકીના જીવને જો કોઈ ઉષ્ણ નરકવાસથી કોઈ પ્રકારે ઉદ્ધાર કરીને ખદિરવૃક્ષના અંગારાથી પૂર્ણ એવા કુંડને વિષે મૂકે તો તે જીવ નિ:સંશય, જળના કણથી મિશ્ર એવા વાયુને વિષે મનુષ્ય સુખ પામે છે તેમ, પરમ સુખને પામે છે. વળી પણ જો કોઈ, વરસાદ જોસબંધ વરસતો હોય અને વાયુ શીતળ વાતો હોય એવા પણ શીતળ નરકવાસથકી કોઈ (નારકીના) જીવને કાઢીને નિરાવરણ પ્રદેશને વિષે લાવીને મૂકે તો તેથી એ જીવને બિલકુલ પવન વગરના પ્રદેશમાં આવવાથી અત્યંત સુખ પ્રાપ્ત થાય છે.
આ નારકીના જીવો ઋણને વશ થઈને જ હોય નહીં એમ પૂર્વ જન્મના વૈરભાવથી પરસ્પર અરણ્યના પાડાની પેઠે યુદ્ધ કર્યા કરે છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૨૨